BREAKING NEWS

મેટોડામાં કારખાના પાસે યુવાન પર છ શખસોનો ધોકા વડે હુમલો: ધમકી

  • October 27, 2025 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેટોડા જીઆઇડીસીમાં આવેલા કારખાનામાં કામ કરનાર યુવાનને છ શખસોએ ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાનની બાજુમાં ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવનાર ઓફિસ સંચાલકને આરોપી સાથે વાહન અથડાવવા બાબતે ઝઘડો થયો હોય યુવાન તે ઓફિસ સંચાલક જેવો દેખાતો હોય ગેરસમજમાં યુવાન પર હુમલો કરી દીધો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી મેટોડા પોલીસે આરોપીઓ સામે રાયોટ અને ધમકીની કલમ હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ ગીરસોમનાથના કોડીનાર તાલુકાના આલીદળ ગામના વતની અને હાલ મેટોડા જીઆઇડીસીમાં રીયલ હાઇટ્સમાં એ- ૧૦૦૧ માં રહેતા પૃથ્વી ભાણાભાઇ મોરી(ઉ.વ ૨૫) નામના યુવાને મેટોડા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના ભાર્ગવ ડાંગર અને તેની સાથેના પાંચ અજાણ્યા શખસોના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મોટાડા જીઆઇડીસીમાં ગેટ નં.૩માં આવેલા એ.જે.એન્જીનરીંગ કારખાનામાં નોકરી કરે છે.


ગઇ તા.૨૬/૧૦ ના રોજ સવારના આઠેક વાગ્યા આસપાસ તે કારખાને કામ પર ગયો હતો. બપોરના બારેક વાગ્યા આસપાસ તે કારખાનાની બહાર જમવા માટે નીળકતો હતો ત્યારે છ શખસો અહીં આવ્યા હતાં અને બેફામ ગાળો તથા મારી નાખવાની ધમકી આપવા લાગ્યા હતાં. બાદમાં આ શખસોએ યુવાન પર ધોકા વડે હુમલો કરી તેને ઇજા પહોંચાડી હતી. દરમિયાન કારાખનામાં કામ કરનાર અન્ય કારીગરો બહાર આવતા આ શખસો નાસી ગયા હતાં.


અહીં માણસો એકત્ર થઇ જતા બાજુમાં આવેલા જય હિન્દ ટ્રાન્સપોર્ટની ઓફિસવાળા જયરાજભાઇ રમેશભાઇ પઢીયાર(રહે. રાજકોટ) વાળા યુવાન પાસે આવી કહ્યું હતું કે, આ લોકો સાથે તેને તા.૨૧/૧૦ રાજકોટમાં વિરાણી ચોક પાસે વાહન અથડાવવા બાબતે ઝઘડો થયો હતો અને તમે મારા જેવા દેખાતા હોવાથી ગેરસમજમાં તમારા પર હુમલો કર્યો હતો. બાદમાં સીસીટીવી ફૂટેજ જોતા તેમાં એક શખસ રાજકોટમાં રહેતો ભાર્ગવ ડાંગર હોવાનું માલુમ પડયું હતું.


હુમલામાં યુવાનને ઇજા પહોંચી હોય તેને સારવાર માટે મેટોડાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેણે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application