રાજકોટના બ્રેઈન ડેડ યુવકના અંગદાનથી છ વ્યક્તિને નવું જીવન મળશે, કપાસની ગાંસડીઓ માથે પડતા મૃત્યુ થયું
રાજકોટના બ્રેઈન ડેડ યુવકના અંગદાનથી છ વ્યક્તિને નવું જીવન મળશે, કપાસની ગાંસડીઓ માથે પડતા મૃત્યુ થયું
October 16, 2026 11:27 AM
ગોંડલના મોટા દડવા ગામે આવેલી અવધ એગ્રો ઍસ્કપોર્ટ કંપનીમાં કામ કરતા અને રાજકોટમાં રહેતા યુવક ઉપર કંપનીમાં કામ કાજ દરમિયાન કપાસની ગાંસડીઓ માથે પડતા માથામાં હેમરેજ જેવી ઈજાઓ થવાથી સારવાર માટે રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું આઠ દિવસની સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. યુવકના મૃત્યુ બાદ અન્ય તેમના ઓર્ગનથી અન્ય લોકોને નવી જિંદગી મળે એ માટે પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. સિનર્જી હોસ્પિટલ ખાતે યુવકના જુદા જુદા છ જેટલા અંગોનું દાન કરી પુત્રને સ્મૃતિને જીવંત રાખી હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના સાધુવાસવાણી રોડ ઉપર રાજનગરમાં રહેતા રાજ મહેશભાઈ ઢોલ (ઉ.વ.23)નો યુવક ગત તા.9ના રોજ ગોંડલના મોટા દડવા નજીક આવેલી અવધ એગ્રો એક્સપોર્ટ નામની કંપનીમાં કામ કરતો હતો ત્યારે કપાસની ગાંસડીનો થપ્પો કરવામાં આવ્યો હોય તે યુવકની માથે પડતા માથામાં ગંભીર ઇજા થવાથી રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું ગઈકાલે મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ દ્વારા આટકોટ પોલીસને જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવક બે ભાઇમાં નાનો અને અપરણિત હતો. પુત્રનું બ્રેઈન ડેડ થતા તેમના હૃદય, ફેફસાં, લિવર અને બન્ને આંખો જરૂરિયાતમંદ લોકોને ડોનેટ કરવા માટેની પ્રેરક પહેલ કરી હતી જેને લઈને હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. યુવાન પુત્રના મૃત્યુથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.