લોધિકા નજીક આસ્થા વિલેજ સોસાયટીમાં રહેતા મૂળ પોરબંદરના વતની પરિવારના મકાનમાં અડધો કલાકમાં રોકડ દાગીના સહિત રૂ. 2.40 લાખની મત્તા તસ્કરો ચોરી કરી ગયા હતા. જે અંગે મેટોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવ અંગે લોધીકા નજીક આસ્થા વિલેજ સોસાયટી બ્લોક નંબર 179 માં રહેતા મૂળ પોરબંદરના વતની વૈશાલીબેન પંકજભાઈ ટોડરમલ (ઉ.વ. 43) દ્વારા મેટોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ પંકજભાઈ ફૂડ કંપનીમાં નોકરી કરે છે. સંતાનમાં બે પુત્રી છે જેમાં મોટી પુત્રી પ્રિયંકા (ઉ.વ. 23) લંડનમાં સાયકોલોજીનો અભ્યાસ કરે છે તેનાથી નાની પુત્રી મીરા (ઉ.વ. 17) ધોરણ 11 સાયન્સમાં રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરે છે અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે.
ગઈકાલે તેની પુત્રી મીરાંને ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસના સિલેક્શન માટે મેચ રમવા જમ્મુ ખાતે જવાનું હોવાથી આગલા દિવસે હોસ્ટેલથી ઘરે આવી હતી. સવારે પતિ અને પુત્રી ટ્રેન મારફતે જમ્મુ જવા રવાના થયા હતા. તે રાત્રે જમીને 12:30 વાગ્યે ઉપરના રૂમના દરવાજો લોક કરી સુઈ ગયા હતા. સવારે જાગીને બહાર નીકળતા બીજા રૂમનો દરવાજો ખુલ્લો હતો તપાસ કરતા પર્સમાં રાખેલી રૂ. 40,000 ની રોકડ તેમજ નીચેના માળે રૂમમાં સેટીની નીચે રાખેલ સુટકેસમાંથી રૂપિયા બે લાખના સોનાના ઘરેણા જોવા મળ્યા ન હતા. બાદમાં અહીં બાળકમાં રહેતા પ્રતિકભાઇ પરમારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ત્રણ ચાર શખસો મોડી રાત્રીના 3:30 વાગ્યાથી 4:00 વાગ્યાના સમયગાળા દરમિયાન મકાનની પાછળની સાઈડની દિવાલથી ઘરના ઉપરના માળમાં પ્રવેશી રોકડ રકમ અને દાગીના સહિત રૂ. 2.40 લાખની મત્તા ચોરી કરી ગયાનું માલુમ પડ્યું હતું. જેથી આ અંગે મેટોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application