BREAKING NEWS

સોહમનગના બંધુને ભગવતીપરમાં બોલાવી છરીના ઘા ઝીંકી દેવાયા

  • February 21, 2026 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સોહમનગરમાં રહેતાં અને સેલ્ફ ડ્રાયવિંગમા કમિશનનું કામ કરતા યુવાનને મિત્ર અભિષેક ઉર્ફે અભિ બોરીચાને અગાઉના વ્યવહારના રૂ. બે લાખ આપવાનાં હતા તે મામલે ભગવતીપરામાં બંને ભાઈઓને બોલાવી સ્કોર્પિયોમાં આવેલ આરોપી તૂટી પડ્યા હતાં અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતાં. જે અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.


બનાવ અંગે સોહમનગર પાછળ શિવધારા સોસાયટીમાં રહેતાં રાહુલભાઇ મુકેશભાઈ મકવાણા (ઉ.વ.૨૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અભિષેક ઉર્ફે અભી બોરીચા (રહે. ગુંદાવાડી) અને કાળા કલરની સ્કોર્પિયો કાર નં. જીજે-૩૬-એપી-૫૫૫૭ માં આવેલ અજાણ્યા ત્રણ શખ્સોના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે છૂટક મજુરીકામ કરે છે. પરિવારમાં મોટાભાઇ જયેશભાઈ, માતા ભાવનાબેન અને એક બહેન સ્વેતાબેન રહે છે. મોટાભાઈ જયેશભાઇ અગાઉ સેલ્ફ ડ્રાયવિંગમા કમિશનનું કામ કરતા હતા અને મોટાભાઇના મિત્ર અભિષેક ઉર્ફે અભિ બોરીચા જેને બેડી ચોકડી પાસે ચા માવાની કેબીન છે અને તેઓ પણ કિમિશનનું કામ કરે છે અને આ અભિષેકને મોટા ભાઈએ અગાઉના વ્યવહારના રૂપિયા બે લાખ આપવાનાં હતા.


છેલ્લા બે ત્રણ દિવસથી આ અભિષેક મોટા ભાઇ પાસે ફોનમાં ગાળો બોલી રૂપીયા માંગી ધમકીઓ આપતો હોય જેથી ભાઈ ગભરાઇ ગયેલ અને આ અભિષેક ઘરે આવી ઝઘડો કરશે તેવું વિચારી જુના ઘરે ગણેશનગર ખાતે રહેવા જતો રહેલ હતો. ગઈકાલે સવારથી આ અભિષેકના ભાઈને ફોન કરી ગાળો બોલતા હોય જેથી સવારના સાડા અગીયારેક વાગ્યાનાં સુમારે મોટાભાઇનો ફોન આવેલ કે, અભિષેકના ફોન ભોવ આવે છે, મને ગાળો આપે છે, એટલે આપણે તેને પૈસા આપી દેવા છે, તે ભગવતીપરામાં બોલાવે છે, તો તું મને ગણેશનગરથી લઇ જા.


જેથી ફરીયાદી તેના ભાઈને બાઈકમાં લઈ ગણેશનગરમા તેડવા ગયેલ અને અભિના ભાગના રૂ.૧ લાખ લઈ બંને ભાઈ ભગવતીપરા કોપરગ્રીન સોસાયટીની સામે થોડે દૂર આવેલ પુલ ઉપર બપોરનાં એકાદ વાગ્યે પહોંચેલ તો ત્યાં આ અભિષેક બોરિચા અને તેની સાથે અજાણ્યા બીજા ત્રણ જણા એક કાળા કલરની સ્કોર્પીયોમાં બેસીને આવેલ અને અભિ કારમાંથી નીચે ઉતરી ભાઈને ગાળો આપી ઉશ્કેરાઇ જઈ બંને ભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી છરી કાઢી ભાઈ ઉપર આડેધડ ઘા મારવા લાગેલ તે વખતે યુવાન ભાઈને બચાવવા વચ્ચે પડતા તેને પણ હાથના બાવડા ઉપર અને પેટના ભાગે છરીનો ઘા ઝીંકી દીધેલ હતો.


તેમજ તેની સાથેના બીજા અજાણ્યા ત્રણ શખ્સોએ પણ બંને ભાઈને ઢીકા પાટુનો માર મારવા લાગેલ હતાં. યુવાનને હાથમાં છરી વાગેલી હોય લોહી નીકળવા લાગતા બુમા બુમ કરતાં આરોપી ત્યાંથી નાસી ગયેલ હતાં. બાદમાં બંને ભાઈઓ સારવારમાં સિવિલ હોસ્પીટલે દોડી ગયાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application