બિલિયાળામાં આવેલ ઓનીક્ષ રિન્યુએબલ કંપનીમાંથી રૂ.૧૪.૦૫ લાખના સોલાર કેબલની ચોરી થવાનો બનાવ સામે આવતાં ગોંડલ તાલુકા પોલીસે કંપનીના સિક્યુરીટી ગાર્ડ અને બિલિયાળાના બે નામચીન શખસોને સકંજામાં લઈ મુદામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી છે.
બનાવ અંગે ગોંડલમાં પુનીતનગર પાસે શાસ્ત્રી નગર-૩ માં રહેતાં આકાશભાઈ સુરેશભાઈ ગજેરા, (ઉ.વ.૩૨) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રોહિત છગન બોરીયા (રહે.બીલીયાળા), કુમાર પરમાર (રહે.ગોંડલ), સત્યમ શિવ ઉર્ફે મોનુ અજયસિંગ (રહે. મધ્યપ્રદેશ) નું નામ આપી જણાવ્યું હતું કે, તે ગોંડલના બીલીયાળા ગામ ખાતે આવેલ ઓનીક્ષ રીન્યુએબલ લીમીટેડ સ્ટોરમાં વર્ષ ૨૦૧૪ થી એક્ઝિક્યુટીવ તરીકે નોકરી કરે છે.
કંપનીનાં સ્ટોરેજમાં ઓનીક્ષ રીન્યુએબલ કંપનીનો સોલાર કેબલ સામાન પડેલ છે. કંપનીમાં પડેલ સામાન જરૂરીયાત મુજબ અલગ અલગ સાઈટ પર મોકલવામાં આવેલ છે, તેમજ ખરીદી કરેલ માલ સામાન વૈભવ કંપનીના સ્ટોરેજમાં રાખવામાં આવે છે. ફરીયાદીની ફરજ છે કે, કંપનીમાં પડેલ સામાનની આવક જાવકની માહિતી જાળવવી તેમજ સ્ટોરેજમાં રહેલ માલનું ધ્યાન રાખવું. કંપનીમાં ૧૦ ડ્રાઈવર, સુપરવાઈઝર, સીક્યુરીટી ગાર્ડ છે. જેમાં આકાશ યાદવ સિક્યુરીટી ગાર્ડ, વિજયભાઈ ડોડીયા સ્ટોર સુપરવાઈઝર, પુષ્પેન્દ્રસીંગ સીક્યુરીટી ગાર્ડના સુપરવાઈઝર, સત્યમ સીંગ ઉર્ફે મોનુ અજયસીંગ સીક્યુરીટી ગાર્ડ, લાલમોહન યાદવ ડ્રાઈવર, હાર્દીક ડાભી કમ્પ્યુટ૨ ઓપરેટર, બૈજનાથ યાદવ ડ્રાઈવર તરીકે કામ કરે છે.
ગઇ તા. ૨૮ ના સ્ટોક રજીસ્ટર લઈ સ્ટોક વેરીફાઈ કરતા હતા માલુમ પડયું હતું કે, જેટલો માલ સ્ટોરેજમાં હોવો જોઈએ તેટલો નથી. કંપનીમાં સોલાર કેબલના ૨૮૧ બંડલ ઓછા હતા. જે એક બંડલમાં ૫૦૦ મીટર કેબલ વજન આશરે ૩૦ કિલોગ્રામ થાય છે. એક બંડલની કિંમત રૂ.૫ હજાર લેખે ગોડાઉનમાંથી આશરે રૂ.૧૪,૦૫ લાખનો માલ ઓછો હતો. કંપનીમાં સ્ટોક ખુબ મોટા પ્રમાણમાં રહે છે, આથી ચોકસાઈ માટે ઘણા દીવસ સુધી વારંવાર સ્ટોક વેરીફાઈ કરેલ, પરંતુ ઉપર જણાવ્યા મુજબની ઘટ આવેલ, કંપનીમાં સ્ટોકની ઘટ આવી હોવાથી વારંવાર સ્ટોક ચેક કરતા હતા તે સમય દરમિયાન કંપનીમાં કામ કરતો સિક્યુરીટી ગાર્ડ સત્યમ સીંગ ઉર્ફે મોનુ એજયસીંગ અચાનક કંપનીમાંથી ક્યાંક ચાલ્યો ગયેલ હતો.તે પોતાનો પગાર પણ લેવા રોકાયેલ નથી.
બાદમાં ગઈ તા. ૧૨ ના રાત્રીના સમયે કંપનીના સીક્યુરીટી ગાર્ડ પુષ્પેન્દ્રસીંગ રાઉન્ડ પર હતા તે દરમિયાન બે માણસો કંપનીમાંથી કેબલના બંડલ દીવાલની બહાર ફેંકતા હતા. આ લોકો પર પુષ્પેન્દ્રસીંગે ટોર્ચ કરતા તેમાંથી એક બીલીયાળા ગામનો રોહીત છગન બોરીચા તથા તેનો મીત્ર કુમાર પરમારને સીક્યુરીટી ગાર્ડ ઓળખી ગયેલ હતાં.
તે બન્ને ટોર્ચની લાઈટ જોઈને ત્યાંથી દીવાલ કુદીને બહાર ભાગી ગયેલ. બાદ પુષ્પન્દ્રસીંગે અન્ય સીક્યુરીટી ગાર્ડને બોલાવીને તપાસ કરતા આ બન્નેએ કુલ ૧૦ બંડલ ચોરી કરવાના ઈરાદે દીવાલથી બહાર ફેંકી દીધેલ હતા, તે તમામ બંડલ સીક્યુરીટી ગાર્ડ પરત લઈ કંપનીમાં રાખી દીધેલ છે.
છેલ્લે સ્ટોક જુન-૨૦૨૫ માં ગણેલ હતો. જે આજ સુધીમાં કંપનીમાં રોહીત બોરીચા તેનો મીત્ર કુમાર પરમારએ મળીને ચોરી કરેલ છે. તેમજ કંપનીમાં કામ કરતા સત્યમ સીંગ ઉર્ફે મોનુ અજયસીંગ, સીક્યુરીટી ગાર્ડ પણ તેમાં સામેલ છે, જેથી હાલ તે કંપનીમાંથી કામ છોડી કોઈને કહ્યા વગે૨ ભાગી ગયો હતો. બાદમાં આ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રિબડા વિજ ટાવરમાંથી રૂ.૧.૫૦ લાખના વાયરની ચોરી
ગોંડલમાં જેતપુર રોડ પર રહેતાં સૌમીલ હરેશભાઈ દેવમુરારી (ઉ.વ.૩૧) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે ગોંડલમાં આવેલ જેટકો વિભાગ ૨૨૦ કે.વી સબ.સ્ટેશનમાં નાયબ ઇજનેર તરીકે નોકરી કરે છે. ગઇ તા.૧૫/૧૨ ના સ્ટાફના લોકોએ જાણ કરેલ કે, તેઓ ભારે વીજ દબાણ વાળા લાઈનોની વીઝીટ અને પેટ્રોલીંગમા હતા, તે દરમિયાન તેઓને ૬૬ કેવી સિધ્ધેશ્વર લાઇન લોકેશન નં.૧ અને ૬૬ કેવી ભરૂડી રોડ પીપળીયા લાઇનના લોકેશન નં.૪ ના વીજ ટાવર ઉપરથી વીજ વાયર આશરે ૬૦ મીટર વાયરની ચોરી થયેલનું જણાવેલ હતું. બાદમાં તપાસ કરતા વીજ ટાવર પરથી આશરે રૂ.૧.૫૦ લાખના કોપર વાયર કાપી ચોરી થયાનું માલુમ પડયું હતું.