ગુજરાત રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યોમાંથી ચોમાસુ ગયા સપ્તાહે પાછું ખેંચાયા પછી વરસાદના કારણે મોન્સૂન વિડ્રોલ સિસ્ટમ નબળી પડી હતી. પરંતુ વાવાઝોડા અને વરસાદ બાદ પરિસ્થિતિ નોર્મલ થતા જ ચોમાસું પાછું ખેંચવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગુજરાતમાંથી ચોમાસુ સંપૂર્ણપણે પાછું ખેંચાઈ ગયું છે અને છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના એક પણ વિસ્તારમાં વરસાદનો એક છાંટો પણ પડ્યો નથી.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું પાછું ખેંચાઈ ગયું છે. મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ બિહાર ઝારખંડ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ સિક્કિમ ઓડિશા અને તેલંગાણામાંથી ચોમાસુ પાછું ખેંચાઈ રહ્યું છે અને આ પ્રક્રિયા માત્ર બે થી ત્રણ દિવસમાં પૂરી થઈ જશે. આગામી તારીખ 15 ઓક્ટોબર સુધીમાં દેશમાંથી ચોમાસું પાછું ખેંચાઈ જાય તેવું જણાય છે પરંતુ અત્યારે તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ચોમાસું પાછું ખેંચાવા સાથે જ શિયાળાના આગમનની છડી પોકારતું વાતાવરણ જોવા મળે છે.મોડી સાંજથી સવાર સુધી સૂકા પવનો ફૂકાય છે. ડીસા અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રી નીચે આવી ગયો છે. ડીસામાં આજે સવારે 19.8 અને ગાંધીનગરમાં 19.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું, નલિયામાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા રહ્યું હતું અને ધુમ્મસ જોવા મળી હતી. નલિયા નું લઘુતમ તાપમાન આજે 20.4 ડિગ્રી રહેવા પામ્યું છે. રાજકોટમાં લઘુતમ તાપમાન 21.8 ડિગ્રી નોંધાયું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ તમિલનાડુ કેરલા કર્ણાટક આંધ્ર પ્રદેશ મિઝોરમ નાગાલેન્ડ મણીપુર ત્રિપુરા સહિતના દક્ષિણ અને પૂર્વોતરના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે.