BREAKING NEWS

ઘેલાસોમનાથ પાસેના લોકમેળામાં તા.૧૩ ઓગસ્ટથી જગ્યા ભાડે અપાશે; તંત્રએ તૈયારી શરૂ કરી

  • July 30, 2026 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જસદણ નજીક આવેલા ઘેલાસોમનાથ મંદિર ખાતે આગામી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે ઘેલાસોમનાથ મંદિર હસ્તકની વિવિધ જગ્યાઓ તા. ૧૩ ઓગસ્ટથી તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી ભાડે આપવામાં આવશે. આ મેળામાં ૩ પાર્કિંગ, ૧૦૩ સ્ટોલ, ૩૩ દુકાનો અને પરિસર ભાડે આપવા ઓનલાઈન હરાજી કરાશે જે માટે વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે.

ઘેલાસોમનાથ મંદિર પાસે આયોજિત થનારા લોકમેળા માટે મહત્વપૂર્ણ માહિતી વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. એક મહિનાના સમયગાળા માટે લોકમેળા પરિસરની હરાજીની અપસેટ કિંમત રૂ. ૨૧ લાખ છે. મંદિર હસ્તકના તમામ પાર્કિંગ જેવા કે ગોડલાધાર રોડ પરનું પાર્કિંગ, મોઢુકા રોડ પરનું પાર્કિંગ અને નવાગામ રોડ પરના પાર્કિંગ માટે એક મહિનાના સમયગાળાની અપસેટ કિંમત રૂ. ૦૫ લાખ છે. તેમજ એક મહિના માટે મંદિર પરિસર આસપાસના કુલ ૧૦૩ સ્ટોલ તથા ૧૧ માસના સમયગાળા માટે કુલ ૩૩ પાકી દુકાનો માટેની અપસેટ કિંમત રૂ. ૨૮ લાખ છે. આ જગ્યાઓની હરાજી ઓનલાઈન પોર્ટલ (www.nprocure.com) પર કરવામાં આવશે. તા. ૦૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સાંજે ૦૬ કલાક સુધીમાં ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકાશે. જેમાં ભાગ લેનારે અગાઉથી સ્થળ પર જઈને તમામ જગ્યાનું નિરીક્ષણ કરી લેવાનું રહેશે અને આ જગ્યા જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં ઉપયોગ કરીને મંદિર ટ્રસ્ટને પરત સોંપવાની રહેશે. જે જગ્યાએ વીજ કનેક્શનની જરૂરિયાત હશે તે જગ્યાએ લાઈટ કનેક્શન જે-તે પાર્ટીએ મેળવવાનું રહેશે, જેમાં મંદિર ટ્રસ્ટ તરફથી સહયોગ આપવામાં આવશે. તમામ સ્થળોની હરાજી અલગ-અલગ કરવામાં આવશે.
આ ઉપરાંત, હરાજીમાં ભાગ લેવા ઈચ્છુકે ટેન્ડર ડોક્યુમેન્ટમાં દર્શાવ્યા મુજબ ટેન્ડર ફી તથા ડિપોઝિટ અગાઉ જમા કરાવવાની રહેશે, ત્યારબાદ જ હરાજીમાં ભાગ લઈ શકાશે. ટેન્ડર ડોક્યુમેન્ટમાં દર્શાવેલ તમામ શરતો ભાગ લેનારને બંધનકર્તા રહેશે. આ કામગીરી માટે સરકારના નિયમો અનુસારના જરૂરી પરવાના કે લાયસન્સ મેળવવાની જવાબદારી પણ ઈજારો રાખનારની રહેશે. આ અંગેનો આખરી નિર્ણય સભ્ય સચિવ, ઘેલાસોમનાથ મંદિર ટ્રસ્ટ અને મામલતદાર, જસદણનો રહેશે.
હરાજી સંબંધિત વધુ વિગતો માટે ઘેલાસોમનાથ મંદિર ટ્રસ્ટના વહીવટદાર હિરેન મકાણીનો મો.નં. ૯૭૨૪૬ ૦૬૧૦૧ પર સંપર્ક કરી શકાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application