અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં સ્પેસએક્સ (SpaceX) અને નાસા (NASA) એ મળીને એક નવો ઇતિહાસ રચી દીધો છે. સ્પેસએક્સના ‘ક્રૂ 13’ મિશન હેઠળ ચાર અંતરિક્ષયાત્રીઓ ગુરુવારે સફળતાપૂર્વક લોન્ચ થયા બાદ માત્ર 8 કલાકના રેકોર્ડ સમયમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ખાતે પહોંચી ગયા છે. માનવ ઈતિહાસમાં અમેરિકા તરફથી સ્પેસ સ્ટેશન સુધી કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી ઝડપી અને સફળ અંતરિક્ષ ઉડાન સાબિત થઈ છે.
સ્પેસએક્સ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, પ્રક્ષેપણ વખતે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની ભ્રમણકક્ષા અને સ્થિતિ અત્યંત અનુકૂળ હોવાના કારણે આટલો ઝડપી પ્રવાસ શક્ય બન્યો હતો. આ ચાર સભ્યોની ટીમ આગામી 6 મહિના સુધી સ્પેસ સ્ટેશન પર રહેશે અને અનેક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરશે. આ મિશન દરમિયાન અંતરિક્ષમાં લાંબો સમય વિતાવવાથી માનવ શરીર અને માનસિક સ્વાસ્થ્ય પર શું અસરો પડે છે તે અંગે ઊંડાણપૂર્વકનું સંશોધન કરવામાં આવશે.
આ મિશનનું નેતૃત્વ અનુભવી ભૂ-વિજ્ઞાની અને મિશન કમાન્ડર જેસિકા વોટસન કરી રહ્યા છે. તેઓ ઓર્બિટ સુધી ક્રૂનું નેતૃત્વ કરનાર પ્રથમ અશ્વેત મહિલા બન્યા છે, જેઓ અગાઉ પણ સ્પેસ સ્ટેશનમાં રસી ચૂકેલા છે. આ મિશનમાં અન્ય દેશોના એસ્ટ્રોનોટ્સ પણ સામેલ છે, જેમાં ભૂતપૂર્વ મરીન લ્યુક ડેલાને, રોયલ કેનેડિયન એરફોર્સના કર્નલ જોશુઆ કુટ્રિક અને રશિયાના પૂર્વ સબમરીન ચાલક સર્ગેઈ ટેટેરિયાતનિકોવનો સમાવેશ થાય છે.