સ્પાઈસજેટની વેબસાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોની મુશ્કેલી વધી છે. શુક્રવારે ઓનલાઈન ચેક-ઈન, ચુકવણી અને મેનેજ બુકિંગ જેવી મહત્વની સેવાઓ અટકી ગઈ હતી. આ સ્થિતિને જોતાં એરલાઈને વિવિધ એરપોર્ટ પર મેન્યુઅલ ચેક-ઈન અને બોર્ડિંગની વ્યવસ્થા કરી છે. કંપનીએ મુસાફરોને ફ્લાઈટના નિર્ધારિત સમય કરતા પૂરતા સમય પહેલાં એરપોર્ટ પહોંચવા અપીલ કરી છે.
એરલાઈનના નિવેદન મુજબ, ટેકનિકલ સમસ્યાને કારણે મુસાફરો ઓનલાઈન ચેક-ઈન અને પેમેન્ટ સહિતની સેવાઓ વાપરી શકતા નથી. ચેક-ઈન કાઉન્ટર પર વધુ સમય લાગી શકે અગાઉથી ટિકિટ બુક કરાવનારા મુસાફરોને પણ બુકિંગમાં ફેરફાર કરવા માટે મુશ્કેલી પડી શકે છે. એરપોર્ટ પર ચેક-ઈન કાઉન્ટર પર ભીડ વધવાની શક્યતા છે. તેથી વધુ સમય લાગી શકે છે.
સ્પાઈસજેટના મુસાફરોની તકલીફ માત્ર વેબસાઈટ પૂરતી સીમિત નથી. તાજેતરના દિવસોમાં ફ્લાઈટ મોડી પડવા અને રદ થવાની ફરિયાદો પણ મળી છે. એરલાઈનના જણાવ્યા અનુસાર, ટીમો સર્વિસ પ્રોવાઈડર સાથે મળીને ખામી દૂર કરવા પ્રયાસ કરી રહી છે.