આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં યજમાન શ્રીલંકાએ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને ૮ વિકેટે કારમી હાર આપીને મોટો ધડાકો કર્યો છે. આ જીત સાથે શ્રીલંકાએ સતત ત્રીજો વિજય મેળવીને સુપર ૮ (Super 8) માં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે, જ્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયા માટે હવે સેમીફાઈનલની સફર લગભગ પૂર્ણ થવા આવી હોય તેવું લાગી રહ્યું છે.
૨૦૨૬ વર્લ્ડ કપની પ્રથમ ‘સેન્ચુરિયન’
આ મેચ ઈતિહાસના પાના પર પથુમ નિસાન્કાના નામે અંકિત થઈ ગઈ છે. નિસાન્કાએ કાંગારૂ બોલરોની બરાબરની ધોલાઈ કરતા માત્ર ૫૨ બોલમાં અણનમ સદી ફટકારી હતી. આ ટુર્નામેન્ટની આ પહેલી સદી છે. તેની આક્રમક બેટિંગને કારણે ઓસ્ટ્રેલિયાનો ૧૮૧ રનનો પડકાર ખૂબ જ નાનો સાબિત થયો હતો. આ સાથે શ્રીલંકાએ માત્ર ૧૮ ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ઓસ્ટ્રેલિયા માટે હવે રસ્તો મુશ્કેલ
આ હાર બાદ ઓસ્ટ્રેલિયાના કેમ્પમાં સન્નાટો છવાઈ ગયો છે. પોઈન્ટ ટેબલમાં શ્રીલંકાની હેટ્રિક જીતે તેમને ટોપ પર પહોંચાડી દીધા છે, જ્યારે ઓસ્ટ્રેલિયા હવે અન્ય ટીમોના પ્રદર્શન અને 'નેટ રન રેટ' પર નિર્ભર રહેવું પડશે. જો આગામી સમીકરણો ન બેઠા, તો પૂર્વ ચેમ્પિયન ટીમ લીગ સ્ટેજમાંથી જ બહાર થઈ જશે.
શ્રીલંકામાં જશ્નનો માહોલ
સહ-યજમાન હોવાને નાતે શ્રીલંકાને હોમ ક્રાઉડનો ભરપૂર સપોર્ટ મળી રહ્યો છે. સ્ટેડિયમમાં હજારો પ્રેક્ષકોની હાજરીમાં નિસાન્કાની સદી અને ટીમની જીતે દેશભરમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. સુપર ૮માં શ્રીલંકાની એન્ટ્રીથી હવે ટુર્નામેન્ટ વધુ રોમાંચક બનશે.