BREAKING NEWS

જંગલેશ્વર મેગા ડિમોલિશનનો ખાણીપીણીનો 27.20 લાખનો ખર્ચ નામંજૂર કરતી સ્ટેન્ડિંગ

  • July 01, 2026 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં આજરોજ બપોરે ૧૨:૩૦ કલાકે ચેરમેન પરેશભાઇ પીપળીયાના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં જંગલેશ્વર મેગા ડિમોલિશનનો ખાણી પીણીનો રૂ.૨૭.૨૦ લાખનો ખર્ચ મંજૂર કરવા રજૂ કરાયેલી દરખાસ્ત નામંજૂર કરવાનો અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના આવા ઐતિહાસિક નિર્ણયથી અધિકારી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો.

વિશેષમાં ઉપરોક્ત દરખાસ્ત નામંજૂર કરવા અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઇ પીપળીયાએ જણાવ્યું હતું કે કમિશનર દ્વારા બિલનું ચૂકવણું કરવા નિયત ટેન્ડર પ્રક્રિયા અનુસરવામાં આવેલ ન હોઈ દરખાસ્ત નામંજૂર કરવા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાપાલિકાએ જંગલેશ્વરમાં કરેલા મેગા ડિમોલિશન દરમિયાન ફરજ ઉપરના મ્યુનિસિપલ તેમજ બંદોબસ્તમાં રહેલા પોલીસ કાફલા સહિતના ફરજ ઉપરના સ્ટાફની ખાણી પીણીના ખર્ચનું કુલ રૂ.૨૭.૨૦ લાખના બિલ મામલે પદાધિકારીઓએ પૂછેલા સવાલો અંગે અધિકારીઓ સંતોષકારક ખુલાસો કરી નહીં શકતા સ્ટેન્ડિંગ કમિટીની ગત મિટિંગમાં આ દરખાસ્ત પેન્ડિંગ રાખી હતી, જે આજની સ્ટેન્ડિંગ મિટિંગમાં પુન: રજૂ થતા નામંજૂર કરવા નિર્ણય કરાયો હતો.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયેલી અને નામંજૂર કરાયેલી દરખાસ્તમાં જણાવ્યા મુજબ,રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૬માં આજી નદીનાં પટમાં આવેલ દબાણ તથા રાજકોટ ટી.પી.સ્કીમ નં.૬ ના ૧૫ મીટર પહોળાઈના ટી.પી.રોડ (જંગલેશ્વર રોડ)માં આવેલ દબાણ દુર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ફેબ્રુઆરી-૨૦ર૬ દરમ્યાન જુદી-જુદી સમિતીઓની રચના કરી કામગીરી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો, હુકમ મુજબ ફરજ ઉપર હાજર કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફ માટે રિફ્રેશમેન્ટ તથા ભોજન વ્યવસ્થાપન સમિતિ દ્વારા કામગીરી કરવાની થતી હતી.દરમિયાન આ માટે આરોગ્ય શાખા (ફૂડ વિભાગ) દ્વારા કુલ રૂ.૨૭,૨૦,૯૪૬ના બિલ ચૂકવણા માટે મોકલવામાં આવ્યા છે જે મંજૂરી અર્થે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.


નામંજૂર કરાયેલા ખાણીપીણી ખર્ચના બિલની વિગત

ડિમોલિશન સ્ટાફને ફુડ પેકેટ- રૂ.૨૧,૦૦૦

૧૮૦૦ નંગ ચા- રૂ.૩૭,૮૦૦

૧૮૦૦ નંગ ચા- રૂ.૩૭,૮૦૦

૮૭૫૦ નંગ ચા બિસ્કિટ- રૂ.૨,૧૯,૧૮૮

૫૦૫૦ નંગ ચા બિસ્કિટ- રૂ.૧,૨૪,૬૮૮

૧૫૦ નંગ કાજુ કતરી, ખજૂર રોલ, ખમણ, સમોસા, વેફર્સ, ચા-કોફી- રૂ.૩૪,૬૫૦

૧૮૦૦ નંગ ચા- રૂ.૩૭,૮૦૦

૧૬૦૦ નંગ ચા- રૂ.૩૩,૬૫૦

બ્રેકફાસ્ટ કુલ ૫૯૦ નંગ (ગાંઠિયા જલેબી પોહા, ચા)- રૂ.૧,૦૫,૪૨૦

કુલ ૧૩,૩૯૦ નંગ સ્પેશ્યલ લંચ ડિશ અને મસાલા છાશ તેમજ ૪૦૦૦ નંગ લીંબુ-આદુ સરબત બોટલ- રૂ.૨૦,૬૮,૫૦૦

કુલ ખર્ચ રકમ- રૂ.૨૭,૨૦,૯૪૬



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application