રાજકોટ મહાપાલિકામાં આજે બપોરે ૧૨ કલાકે ચેરમેન પરેશભાઈ પીપળીયાના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી જેમાં ખર્ચમાં કાપ મૂકી કરકસર થાય તેવા તેમજ ઈંધણની મહતમ બચત થાય તેવા નિર્ણય લેવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા માટે અર્બન ગ્રીનીંગ પોલીસી તૈયાર કરવાના કામ અંગે નિર્ણય લેવાનું પેન્ડિંગ રાખવામાં આવ્યું હતું. જ્યારે શહેરના રેસકોર્ષ રીંગ રોડ ઉપર ૨.૫૦ કરોડના ખર્ચે ડેકોરેટીવ લાઇટીંગ નાખવાની દરખાસ્ત નામંજૂર કરાઈ હતી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પીપળીયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ કરેલી કરકસરની અપીલને ધ્યાને લેતા રેસકોર્સ ખાતે ખર્ચ કરવો હાલના સમયમાં બિન જરૂરી જણાતા નામંજૂર કરાયો છે.
સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું કે પાઈપલાઈન વિહોણા વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણનો દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ આપવા દરખાસ્ત હતી અને કુલ ૧૧.૫૦ કરોડનો ખર્ચ હતો, જેમાં ૬.૫૦ કરોડના ખર્ચ સાથે વાર્ષિક કોન્ટ્રાક્ટ મંજૂર કરાયો છે જેમ પાઈપલાઈન નખાતી જાય તેમ ટેન્કર બંધ કરવા કમિશનરને આદેશ કર્યો છે.
એજન્ડામાં સમાવિષ્ટ ૧૫ દરખાસ્તમાંથી ૧૨ મંજૂર કરાઇ હતી જેમાં (૧) ધી જી.પી.એમ.સી.એકટ-૧૯૪૯ની કલમ-૨૮૯ અન્વયે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગની અઠવાડિક કામગીરીના રિપોર્ટ જાણમાં લેવા (૨) વોર્ડ નં.૮અને ૧૦માં પ્રાઇવેટાઇઝેશનથી ભુગર્ભ ગટરની ફરીયાદોનો નિકાલ કરવા (૫) ડ્રેનેજ હસ્તકના (૧)મવડી, (૨)વાવડી જુનું તથા (૩)પુનિતનગર જુનું સીવેજ પમ્પીંગ સ્ટેશનના કોમ્પ્રીહેન્સીવ ઓ. એન્ડ એમ.બે વર્ષ માટે કોન્ટ્રાકટ આપવા (૬) શહેરના વોર્ડ નં.૧૨માં વાવડી વિસ્તારમાં આવેલ રસુલપરા સ્કુલમાં પ્રાર્થનાખંડ બનાવવા (૭) ફિલ્ટર પ્લાન્ટ, પમ્પીંગ સ્ટેશનો તથા સ્નાનાગારના પાણીને જંતુમુક્ત કરવાના કામે લીક્વીડ ક્લોરીન ખરીદી કરવા (८) ૫૧ એમ.એલ.ડી. રૈયા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટ્રીટેડ વોટર પમ્પીંગ સ્ટેશનનું કોમ્પ્રીહેન્સીવ ઓ. એન્ડ એમ.નો બે વર્ષ માટે કોન્ટ્રાકટ આપવા (૯) ડ્રેનેજ શાખા માટે એક નંગ સકશન મશીન ખરીદ કરવા (૧૧) જુના સ્ક્રેપ વાહનોનું ઇ ઓક્સનથી વેચાણ કરવા (૧૨) ભાવનગર ખાતે યોજાયેલ ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ અન્વયે થયેલ ખર્ચ બહાલ રાખવા સહિતની ૧૨ દરખાસ્તો મંજૂર કરાઇ હતી.
ત્રણ વર્ષના બદલે છ માસ માટે સંચાલન સોંપાશે
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રેસકોર્ષ સંકુલમાં આવેલ વિવિધ રમતગમત સુવિધાઓનું મેઇન્ટેનન્સ રાજકોટ સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશનને પુર્ણ થયેલ મુદ્દતથી વિશેષ ત્રણ વર્ષ માટે સુપ્રત કરવાની દરખાસ્તમાં ત્રણ વર્ષના બદલે ફ્ક્ત છ મહિના માટે સોંપવાનું મંજૂર કરાયું હતું.