ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત જાહેરાત ક્રમાંક ૨૭ /૨૦૨૫-૨૬ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની લેખિત પરીક્ષાઓ યોજાનાર છે. પરીક્ષાઓ દરમિયાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિધાર્થીઓને નિયમાનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે.
જામનગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને પરીક્ષા સુચારુ રીતે પૂર્ણ થાય તે હેતુસર પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્ષ સેન્ટર્સ અને કોપીયર મશીન પરીક્ષાના સમય દરમિયાન બંધ રહે, તેમજ પરીક્ષા કેન્દ્રો પર કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક સાધનો, કેલ્ક્યુલેટર, ઈલેક્ટ્રોનિક વોચ અને અન્ય અનધિકૃત સાહિત્ય વગેરે સાથે ના લઈ જાય તે માટે પ્રતિબંધાત્મક હુકમો ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઇન્ચાર્જ એસ.એમ.કાથડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જામનગર જિલ્લામાં પરીક્ષા માટે નિર્ધારિત કરવામાં આવેલા પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં આવતા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ અને અંગત ઉપયોગ માટે વપરાશ કરતા કોપીયર મશીન ધારકોએ આગામી તા.૦૪ જાન્યુઆરીના રોજ સવારના ૧૦:૩૦ કલાકથી બપોરના ૧:૦૦ કલાક સુધી તેઓના કોપીયર મશીન દ્વારા પરીક્ષા વિષયક પત્રો અને દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં.
આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક સાધનો, કેલ્ક્યુલેટર, ઈલેક્ટ્રોનિક વોચ તેમજ અન્ય અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરી શકશે નહીં. તથા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રતિબંધાત્મક હુકમમાં જણાવવામાં આવ્યું છે. આ જાહેરનામાંનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાપાત્ર થશે.
જામનગર જિલ્લામાં પરીક્ષા માટે જાહેર કરાયેલા પરીક્ષા કેન્દ્રોની યાદી...
નેશનલ હાઈસ્કૂલ, આર.આર.શાહ હાઈસ્કૂલ, નંદન માધ્યમિક શાળા, એલ.જી.હરિયા સ્કૂલ,જેકુરબેન સોની ક્ધયા વિદ્યાલય, પ્રણામી હાઇસ્કુલ, શિશુવિહાર હિન્દી હાઇસ્કૂલ, જી.એસ. મહેતા ક્ધયા વિદ્યાલય, ભવંસ એ કે. દોશી વિદ્યાલય, ડી એસ. ગોજીયા વિદ્યાલય,સત્યસાંઇ વિદ્યાલયનો સમાવેશ થાય છે.