વલસાડ માં 77મા સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ કર્યું ધ્વજ વંદન

  • August 15, 2023 08:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડમાં કરવામાં આવી રહી છે. આજે સવારે વલસાડ તાલુકાના ધમડાચી ગામે એપીએમસી માર્કેટના મેદાન પર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. તેમજ સાથે પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, વનબંધુ કલ્યાણ -2 યોજનાને અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત આગામી 5 વર્ષમાં 1 લાખ કરોડનો ખર્ચ કરવાનું આયોજન રાજ્ય સરકારે કર્યુ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે




  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે આ સાથે જ ગુજરાત 4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા ધરાવતુ રાજ્ય બન્યુ છે


  • વલસાડ એ ભૂમી છે જેણે ઈરાનથી આવેલા પારસીઓને આવકાર્યા હતા અને એ પારસીઓએ પણ આઝાદીની લડાઈમાં અમુલ્ય યોગદાન આપ્યું હતું. મારી માટી અભિયાન હેઠળ દેશના અઢી લાખ ગામની માટી દિલ્હી પહોંચાડાશે અને ત્યા વિરશહિદોના સ્મારક પાસે અમૃત વાટીકાનું નિર્માણ કરાશે, આવો આપણે બધા આ અભિયાનમાં યોગદાન આપીએ.


  • બજેટના 5 સ્તંભ તે ગુજરાતના વિકાસના 5 સ્તંભ છે, આદીજાતીના બાળકોને ગુણવતા યુક્ત શિક્ષણ મળે અને આદિવાસીઓનો વિકાસ થાય તે માટે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મુકી છે, આ યોજનાની સફળતાના પગલે વનબંધુ કલ્યાણ -2 યોજનાને અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત આગામી 5 વર્ષમાં 1 લાખ કરોડનો ખર્ચ કરવાનું આયોજન રાજ્ય સરકારે કર્યુ છે.


  • મહિલાઓના કલ્યાણની પણ સરકારે દરકાર લીધી છે, સર્ગભાઓના પોષણમાં સુધારો લાવવા દર મહિને એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા અને એક કિલો તેલ આપવામાં આવ્યું છે.


  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 11.50 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે

  • 1600 કિમી લાંબો દરિયાકિનારો ધરાવતા આપણા રાજ્યમાં 38 ટકા કાર્ગોનું પરિવહન થઈ રહ્યુ છે




રાજ્યકક્ષાની ઉજવણીમાં બજેટમાં મંજૂર થયેલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડની તમામ સરકારી કચેરીઓને રંગબેરંગી રોશનીથી શણગારી દેવામાં આવી છે, સમગ્ર શહેર દિવાળીની જેમ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. ઠેર ઠેર તિરંગા લાઈટિંગથી શહેર દેશભક્તિના રંગે રંગાયું છે. જાહેર માર્ગો ઉપર તિરંગાની લાઈટિંગનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.




ઉલ્લેખનીય છે કે, વલસાડમાં 77મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એટહોમ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાના અગ્રણી મહાનુભાવો અને નાગરિકોને મળી પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરી હતી. આ પ્રસંગે આચાર્ય દેવવ્રતે સરકારી કચેરીઓમાં વીજળી બચાવવાનું અભિયાન છેડવાની હાકલ કરી હતી. વલસાડ સ્થિત સી. બી.પટેલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા ‘એટ હોમ સ્નેહમિલન’ કાર્યક્રમમાં રાજ્યપાલે વલસાડ સહિત રાજ્યના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application