ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 116 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે, જે લગભગ 25 ટકા વધીને 150 ડોલર સુધી પહોંચવાની ધારણા છે. આની અસર વિશ્વભરના શેરબજારો પર પડી રહી છે. બીએસઈ સેન્સેક્સ પ્રી- ઓપનીંગમાં 3000 પોઈન્ટ અને બજાર ખુલતા જ 2,000 પોઈન્ટથી વધુ ઘટાડા સાથે ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી50 ઈન્ડેક્સ 600 પોઈન્ટથી વધુ ઘટાડા સાથે ઓપન થયો હતો અને થોડી જ વારમાં સેન્સેક્સ 2413.45 પોઈન્ટ અથવા 3.06 ટકા ઘટીને 76,505.45 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેવી જ રીતે, નિફ્ટી પણ 732.30 પોઈન્ટ અથવા 3 ટકા ઘટીને 23,718.15 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ ઘટાડાને કારણે, બીએસઈ-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 12.39 લાખ કરોડ ઘટીને રૂ. 437 લાખ કરોડ થઈ ગયું છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી વૈશ્વિક ફુગાવામાં વધારો થવાનો ભય ઉભો થયો છે. આના કારણે શરૂઆતના કારોબારમાં એશિયન બજારોમાં તીવ્ર ઘટાડો થયો. ગયા અઠવાડિયે 5.5% ઘટાડા બાદ જાપાનનો નિક્કી 6.2 ટકા ઘટ્યો. એ જ રીતે, ગયા અઠવાડિયે 10 ટકા ઘટાડા બાદ, દક્ષિણ કોરિયાનો ઇન્ડેક્સ 7.3 ટકા ઘટ્યો. યુએસ અને યુરોપમાં પણ ફ્યુચર્સ ઇન્ડેક્સમાં ઘટાડો થયો. એસ એન્ડ પી 500 ફ્યુચર્સ 1.8 ટકા ઘટ્યા, જ્યારે નેસ્દક ફ્યુચર્સ 2.1 ટકાથી વધુ ઘટ્યા. યુરોપમાં, યુરોસ્ટોક્સ 50 ફ્યુચર્સ અને ડીએક્સ ફ્યુચર્સ 2.5 ટકા ઘટ્યા.
ડોલર સામે રૂપિયો 92.3025ના સ્તરે: અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો
શરૂઆતના વેપારમાં, ડોલર સામે રૂપિયો 92.3025 પર ઘટી ગયો, જે તેના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે છે. સેન્સેક્સના તમામ 30 શેર ઘટ્યા. શરૂઆતના કારોબારમાં ઇન્ડિગોના શેર 5 ટકાથી વધુ ઘટ્યા. એશિયન પેઇન્ટ્સ, એલ એન્ડ ટી અને અદાણી પોર્ટ્સ 4 ટકા થી વધુ ઘટ્યા. એસબીઆઈ મારુતિ, ઇટરનલ, એચડીએફસી બેંક, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા અને મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક મહિન્દ્રા બેંકના શેર 3% થી વધુ ઘટ્યા.