ધોરાજીમાં હોળી પર્વ પર બે પરીવાર વચ્ચે અથડામણ થતાં અનેકને નાની-મોટી ઇજા પહોંચી હતી. રાજકોટથી મામાના પુત્રની વાડમાં ગયેલ પરિણીતાની કન્ટ્રકસનના ધંધાર્થીએ જાતીય સતામણી કરતાં મામલો બીચકયો હતો. મોડી રાતે સામસામે પથ્થમારો થયા બાદ મહિલાઓ પર નિર્લજ્જ હુમલો પણ થયો હતો. આ અંગે મામલે ધોરાજી પોલીસે પાંચ મહિલા સહિત ૧૫ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે રાજકોટના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી પાસે લક્ષ્મીના ઢોરે રહેતાં મધુબેન હાર્દિકભાઈ સોંદરવા (ઉ.વ. ૨૧)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધવલ રવજી ભાસ્કર, સચીન પ્રવીણ પરમાર, દુર્ગાબેન રવજી ભાસ્કર, ભૂમિબેન ધવલ ભાસ્કર અને રવજી ભાસ્કર (રહે. તમામ ધોરાજી) નું નામ આપી જણાવ્યું હતું કે, તેણીના પિતા બાઈકમાંથી પડી જતા તેને હાથમાં ઇજા થયેલ હોય જેથી તેની ખબર કાઢવા ત્રણ ચાર દિવસ પહેલા ધોરાજી આવેલ હતી, ગઇ તા.૦૨ ના રોજ હોળીનો તહેવાર હોય અને મામા ઘીરજભાઇ સોંદરવાના દિકરાની વાડ હોય જેથી તેણી અને તેમની માતા લાભુબેન વિઝુંડા અને ભાઈઓ બધા નસીબ ચોક ખાતે ગયેલ હતા.
ત્યારે તા.૦૩ ના રાત્રીના દોઢેક વાગ્યાની વખતે તેણી સાઇડમાં ઉભી હતી ત્યારે ધવલ ભાસ્કર ઘસી આવીને ઉભો રહી ગયેલ અને તેણે કોણીથી બે ઠોસા મારેલ જેથી તેને કહેલ કે, મને કેમ ઠોસા મારો છો?" તો આ ધવલ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને કહેલ કે, તારે થાઈ તે કરી લે ઠોસા તો લાગશે, તેમ કહીને જતો રહેલ. જેથી ત્યાં હાજર ભાઈ પ્રવિણભાઈ વિઝુંડાને બનાવની વાત કરતી હતી ત્યા માનીતા ભાઇઓ વિજયભાઇ સોલંકી, આશીષભાઈ પરમાર ત્યા બાજુમાં જ ઉભા હોય જેથી તેઓએ પુછતા તેઓને પણ બનાવની વાત કરેલ હતી.
જેથી આ ત્રણેય ધવલ ભાસ્કરને તેના ઘર પાસે સમજાવવા ગયેલ અને પાછળથી તેણી અને તેમની માતા લાભુબેન સહિતના લોકો પણ ત્યા પાછળ ગયેલ અને ત્યા આ ધવલ તથા તેના માતા-પિતા, ધવલની પત્નિ ભુમીબેન તથા ભત્રીજો સચીન પરમાર બધા ભેગા થઇ ભાઈઓ સાથે માથાકુટ કરતા હતા, ત્યા જતા બધાને સામ સામે ઝપાઝપી થયેલ હતી. તે દરમિયાન આરોપીઓ ગાળો આપી કહેતા હતા કે, આજે તો એકાદને મારી જ નાખવો છે, તેવુ બોલી મારી નાખવાની ધમકી આપતા હતા. ત્યારે અચાનક ઉશ્કેરાય જઈ રવજીએ ફરીયાદીની માતાને પીઠમાં ઢીકો મારી દિધેલ અને બધા ઉપર આ લોકોએ પથ્થરમારો કરવા લાગેલ હતાં. જેથી ફરીયાદી સહિતના લોકોને ઈજા થતાં સારવારમાં ખસેડાયા હતાં.
સમાપક્ષે ધોરાજીમાં બહારપુરા રહેતાં ધવલભાઈ રવજીભાઈ ભાસ્કર (ઉ.વ.૩૮) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિજય ઉર્ફે વિજલો લાંબો દિનેશ સોલંકી,આશીષ ઉર્ફે કુતેકા અતુલ પરમાર, પ્રવીણ ઉર્ફે ગયઢો શંકર વિંઝુડા,
સાહિલ ઉર્ફે ટાઢો મકવાણા, પ્રવીણની માતા લાભુબેન, પ્રવિણની બહેન સોનુબેન, પ્રવિણની બહેન મધુબેન, પ્રવિણનો બનેવી હાર્દિક સોંદરવા
પ્રવિણનો ભાઈ ભાવેશ વિઝુંડા, જેનીલ ઉર્ફે ભયુ ઉર્ફે જીનુ અતુલ બારોટ (રહે. તમામ ધોરાજી) નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક કાળા કલરના એકટીવા ઉપર આશીષ ઉર્ફે કુંતેકા પરમાર, સાહિલ ઉર્ફે ટાઢો મકવાણા અને જેનીલ ઉર્ફે ભયુ ઉર્ફે જીનુ બારોટ ઘસી આવેલ અને બોલાચાલી કરવા લાગેલા અને તેની સાથે આવેલ જેનીલ ઉર્ફે ભયુ નીચે ઉતરી અને નસીબચોક તરફ દોડતો ગયેલો અને પ્રવીણ ઉર્ફે ગયઢાની માતા લાભુબેન સહિતના શખ્સો યુવાનની માતા સાથે ઝઘડો કરવા લાગેલ અને લાભુબેને માતાના વાળ પકડી લીધેલ અને સોનુબેને માતાનુ કોણીથી ગળુ દબાવી નીચે પાડી દઇ ઢસડેલ જે દરમ્યાન યુવાનની પત્ની ભુમિકા છોડાવવા વચ્ચે પડેલ ત્યારે આરોપીઓએ પત્નીને ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને મારી પત્નિના કપડાં ફાડી નાખેલ હતાં.બનાવ અંગેની સામસામી ફરીયાદ પરથી ધોરાજી પોલીસે પાંચ મહિલા સહિત ૧૫ શખ્સો હેઠળ ગુનો નોંધ્યો છે.
માથાકૂમાં બે શખ્સોએ પોલીસને પણ બેફામ ગાળો ભાંડી
ધોરાજી સીટી પોલીસ મથકના લોકરક્ષક દીલીપભાઈ કટેસીયાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિજય ઉર્ફે લાંબો દિનેશ સોલંકી અને આશિષ ઉર્ફે કુતેકા અતુલ પરમારનું નામ આપી જણાવ્યું હતું કે, તે ધોરાજી સીટી પોલીસ સ્ટેશન ખાતે હતા બાદ પરત પેટ્રોલિંગમા નીકળી ગયેલા ત્યારબાદ કોલર ધવલભાઈ ભાસ્કર ઉપર હુમલો થયા અંગેની વર્દી મળેલ જેથી બંને ગાડીઓ લઇને કોલર ધવલભાઈ ભાસ્કરના ઘરે પહોંચેલ અને તેની સાથે વાતચીત કરતા હતા તે દરમ્યાન એક કાળા કલરની એકટીવા ઉપર બે જણા આવેલા જેથી કોલર ધવલભાઈએ જણાવેલ કે, મારા જોડે ઝઘડો તથા ગાળાગાળી કરનાર આ બંને જણા જ હતા, જેથી તે બંને જણાને રોકેતાં એકટીવાનો ચાલક જોર જોરથી બુમ બરાડા કરવા લાગેલ અને પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ઉપર એટ્રોસીટીની ફરિયાદ કરવાની ધમકી આપી પોલીસને ગાળો આપવા લાગેલા કે, શુ થાશે કહીં બીભત્સ ગાળો બોલી પીએસઆઇને પણ બીભત્સ ગાળો આપી પોલીસ વિશે એલફેલ બોલવા લાગેલ અને કોલર ધવલભાઈ જોડે પણ બોલાચાલી કરવા લાગ્યા હતાં. જે અંગે ગુનો નોંધાયો છે.