BREAKING NEWS

અમરેલી જિલ્લામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, કાચ તૂટ્યો; સુરત પાસે પણ વંદે ભારતને નિશાન બનાવી

  • November 08, 2026 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની એક ગંભીર ઘટના સામે આવતા રેલવે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સાબરમતીથી વેરાવળ તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેનને અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી હતી. લાઠી અને ખીજડીયા સ્ટેશન વચ્ચે અજાણ્યા ઈસમો દ્વારા આ ટ્રેન પર અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલાના કારણે ચાલુ ટ્રેનના આગળના ભાગનો કાચ તૂટી ગયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં ટ્રેનમાં સવાર કોઈપણ મુસાફરને જાનહાનિ કે ઈજા પહોંચી ન હતી.

રેલવે તંત્ર અને પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ સુરક્ષિત રીતે ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી. આ પથ્થરમારાની ઘટનાને પગલે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લાઠી પોલીસ પણ આ મામલે સક્રિય બનીને તપાસમાં જોડાઈ છે. આ અંગે ધોળા આરપીએફ (RPF) ગોલકરે જણાવ્યું હતું કે, “વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે, અને અમારી ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મુસાફરોએ પથ્થર ફેંકનારને જોયા ન હતા, પરંતુ કાચ ફૂટ્યો છે. હાલ મળેલી માહિતીના આધારે લાઠી અને ખીજડીયા વચ્ચેના પંથકમાં સઘન તપાસ ચાલી રહી છે.”

સુરત પાસે પણ વંદે ભારત ટ્રેનને બનાવવામાં આવી હતી નિશાન

આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે. અગાઉ મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર ૨૨૯૬૧) પર સુરત નજીક પથ્થરમારો થયો હતો. સુરત રેલવે સ્ટેશનથી રવાના થયા બાદ જ્યારે આ ટ્રેન ઉત્રાણ સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અજાણ્યા શખ્સોએ ટ્રેન પર પથ્થરો ફેંક્યા હતા. આ હુમલાને કારણે ટ્રેનના સામાન્ય ચેરકાર કોચ C-6 અને C-10 ના કાચ ક્રેક થઈ ગયા હતા.


રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હતા સવાર

ખાસ ઉલ્લેખનીય છે કે સુરત પાસે બનેલી આ ઘટના વખતે ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મુસાફરી કરી રહ્યાં હતાં. સદભાગ્યે તેઓ એક્ઝિક્યુટિવ કોચમાં સવાર હોવાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા અને કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઉપરાંત, ગત ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ પણ સુરતથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસ પર ભેસ્તાન રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી વખતે પથ્થરમારાની ઘટના બની હતી, જેમાં અચાનક પથ્થર વાગવાથી બારીનો કાચ તૂટી ગયો હતો.

સુરક્ષા સામે સવાલો અને કડક પગલાંની જરૂર

દેશની પ્રીમિયમ અને હાઇ-સ્પીડ ગણાતી વંદે ભારત ટ્રેનો પર આ પ્રકારે વારંવાર પથ્થરમારાની ઘટનાઓ બનવી એ રેલવે સુરક્ષા માટે એક મોટો પડકાર અને ચિંતાનો વિષય બન્યો છે. અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવતી આવી અસામાજિક પ્રવૃત્તિઓથી મુસાફરોના જાનમાલનું જોખમ વધી જાય છે. તંત્ર દ્વારા આવા ઉપદ્રવી તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તથા રેલવે લાઈન આસપાસ સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application