BREAKING NEWS

મધ્ય-ઉત્તર ગુજરાતમાં રાતે મેઘરાજાની તોફાની એન્ટ્રી, બાલાસિનોરમાં પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો

  • June 18, 2026 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મધ્ય અને ઉત્તર ગુજરાતમાં રાતે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા સમગ્ર પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આથી લોકોને ગરમીથી મોટી રાહત મળી હતી, તો બીજી તરફ વાવણીલાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેરો દોડી ગઈ હતી. મહિસાગરના બાલાસિનોરમાં ગાજવીજ સાથે પોણા છ ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. 


ગાજવીજ સાથે રાજ્યના 63 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમા આઠ તાલુકામાં બેથી ત્રણ ઈંચ સુધી, સાત તાલુકામાં એકથી પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો અને અન્ય તાલુકાઓમાં સામાન્ય ઝાપટાથી અડધા ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. 


સરકારી આંકડાઓ અનુસાર, મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ સૌથી રૌદ્ર અને ધમાકેદાર સ્વરૂપ દેખાડ્યું હતું. જિલ્લાના બાલાસિનોર તાલુકામાં સૌથી વધુ ૧૪૭ મીમી એટલે કે પોણા છ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. અચાનક તૂટી પડેલા આ મુશળધાર વરસાદને કારણે બાલાસિનોરના અનેક નીચાણવાળા વિસ્તારો, સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર નદીની જેમ પાણી ફરી વળ્યા હતા.


ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જિલ્લાના ભિલોડા તાલુકામાં ૭૫ મીમી (આશરે ત્રણ ઇંચ) અને ધનસુરામાં ૬૬ મીમી (અઢી ઇંચ કરતાં વધુ) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સાઠંબા, બાયડ અને મોડાસા પંથકમાં પણ વહેલી સવારથી જ હળવોથી મધ્યમ વરસાદ સતત ચાલુ રહ્યો હતો. બીજી તરફ ખેડા જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો હતો, જેમાં ગળતેશ્વરમાં ૫૭ મીમી અને કપડવંજમાં પંચાવન મીમી વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના નડિયાદ, મહુધા અને કઠલાલ પંથકમાં પણ વરસાદી માહોલ જામતાં નદી-નાળામાં નવા પાણીની આવક થઈ છે.


આ સિવાય અન્ય જિલ્લાઓની વાત કરીએ તો મહેસાણાના સતલાસણા તાલુકામાં ૭૩ મીમી અને ખેરાલુમાં ૨૦ મીમી વરસાદ નોંધાયો હતો. વડોદરા જિલ્લાના દેસરમાં ૫૩ મીમી વરસાદ પડતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં બાવન મીમી અને  જાંબુઘોડામાં ૫૧ મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે ગોધરા અને હાલોલ શહેરમાં પણ દિવસભર વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. છોટાઉદેપુરના કડવાલમાં ૪૯ મીમી વરસાદ થયો હતો, જ્યારે દાહોદના દેવગઢબારિયા અને ધાનપુર તાલુકામાં આજે પણ ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ આ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો, શહેરના એસ.પી. રીંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલ નજીક વરસાદી છાંટા પડ્યા હતા. છેલ્લા કેટલાય દિવસથી ગરમીના બફારાના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હતા ત્યારે વરસાદી છાંટા પડવાના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application