BREAKING NEWS

જામનગરની બકાલા માર્કેટમાં તોફાની તેજી: મહીલાઓનું બજેટ તુટયું

  • November 11, 2025 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરની શાકમાર્કેટ હજુ તો શિયાળો શરૂ થાય તે પહેલા જ ગરમ બની ગઇ છે, અલગ-અલગ શાકમાં તોખારી તેજીનું આગમન થઇ ચૂકયું છે, છેલ્લા પાંચ દિવસથી  કેટલાક શાકના ભાવો રૂ.૧૦૦ને પાર કરી ગયા હતાં, નવેમ્બર માસમાં રીંગણાના કિલોના ભાવ રૂ.૧૦ થી ૨૦ હોય છે, પરંતુ આ ભાવ રૂ.૧૦૦ને પાર કરી ગયો છે, ગુવારનું તો નામ લેવાતું નથી, દુધી, પરવડ અને બટેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે, લીંબુ થોડા સસ્તા એટલે કે રૂ.૫૦ થી ૬૦ના કિલો મળે છે, પરંતુ જે શાકના ભાવ રૂ.૨૦થી ૨૫ હોવા જોઇએ તેના ભાવ રૂ.૧૦૦ને આંબી જતાં ગૃહીણીનું બજેટ આડુ અવળુ થઇ ગયું છે, ખંભાળીયાની શાક બજાર પણ ગરમ છે, સૌરાષ્ટ્રમાં ખંભાળીયાના રીંગણા ઓળો બનાવવા માટે વખણાય છે, રૂ.૧૨૦ને પાર કરી ગયા છે.


જામનગરની સુભાષ શાક માર્કેટની વાત કરીએ તો વ્હેલી સવારના ૬ વાગ્યાથી ગલ્લા, લારી અને દુકાનોમાં શાકનું વેંચાણ થાય છે, કોબીનો ભાવ સામાન્ય રીતે રૂ.૨૦ થી ૩૦ની વચ્ચે શિયાળામાં હોય છે, પરંતુ હાલમાં રૂ.૯૦ થી ૧૧૦માં કિલો લેખે બજારમાં કોબી મળે છે, ફલાવરના ભાવ થોડા ઉતર્યા છે અને કિલોના રૂ.૮૦ થી ૯૦ બોલાઇ રહ્યા છે, ગુવારનું તો નામ લેવાતું નથી, સારો ગુવાર રૂ.૧૩૦ને પાર કરી ગયો છે, સામાન્ય રીતે ઓછુ મળતું પરવડ પણ રૂ.૧૫૦ના કિલો લેખે મળે છે. 


થોડા સમય પહેલા બટેટાના ભાવ રૂ​​​​​​​.૨૦ થી ૨૫ હતાં અને ભાવ હવે રૂ​​​​​​​.૪૦ થી ૪૫ થઇ ગયા છે, કેટલાક લોકોના ઘરે લગભગ બધા શાકમાં બટેટાનો ઉપયોગ થતો હોય છે તેઓને આ બટેટા ખરીદવા માટે ખુબ જ મોંઘુ પડી રહ્યું છે. નાના રીંગણા હોય કે મોટા રીંગણા એ પણ ભાવ આશ્ર્ચર્યજનક રીતે વધી જતાં રીંગણાનો ઓળો કડવો થઇ ગયો છે, કારણ કે સારા અને મોટા રીંગણા રૂ​​​​​​​.૧૨૦ના કિલો લેખે બજારમાં ઉપલબ્ધ છે. ટમેટા અને લીંબુમાં થોડી રાહત છે, રૂ​​​​​​​.૪૦ થી ૫૦ કિલો લેખે આ બંને શાક મળી રહે છે. 


શિયાળામાં આદુ અને હળદરની માંગ ખુબ હોય છે અને પુષ્કળ પ્રમાણમાં આવક હોય છે, પરંતુ આજના ભાવ જોઇએ તો રૂ​​​​​​​.૧૨૦ થી ૧૩૦માં આદુ, આંબા હળદર અને સાદી હળદર કિલોના ભાવે મળી રહે છે, મરચી રૂ​​​​​​​.૧૦૦ને પાર અને મરચા રૂ​​​​​​​.૮૦ થી ૯૦માં મળી રહે છે, મેથી પણ ધીમે-ધીમે કડવી બનતી જાય છે, એક નાના પુરીયાના ભાવ રૂ​​​​​​​.૨૦ થી ૩૦ બોલાઇ રહ્યા છે. પત્તરવેલનું ચાર પાનનું નાનુ પરીયુ રૂ​​​​​​​.૩૦ને પાર કરી ગયું છે. સામાન્ય રીતે બજારમાં દુધી રૂ​​​​​​​.૨૦ થી ૩૦ની કિલો મળતી હોય છે, પરંતુ તમે દુધીના ભાવ સાંભળીને નવાઇ ન પામતા કારણ કે જામનગરની શાકબજારમાં રૂ​​​​​​​.૮૦ થી ૯૦ લેખે કિલો દુધી મળી રહી છે, તેની સાથે કાકડી પણ રૂ​​​​​​​.૫૦ને પાર થઇ ગઇ છે અને ગાજર રૂ​​​​​​​.૪૦ થી ૫૦ લેખે વેંચાઇ રહ્યા છે. 


તાંદરીયાની ભાજી, ફુદીનો અને પાલકની ભાજી થોડી સસ્તી છે, રૂ​​​​​​​.૧૦ થી ૨૦માં નાના-મોટા પુરીયા મળી રહે છે, પરંતુ ભીંડાનો ભાવ ચકકર આવી જાય તેવો થઇ ગયો છે, સારો ભીંડો રૂ​​​​​​​.૧૨૦ થી ૧૩૦ના કિલો લેખે મળી રહ્યો છે, ખરેખર આ ભાવ સુભાષ શાક માર્કેટ અને આજુબાજુ વિસ્તારના છે, પરંતુ જામનગર શહેરમાં મહેનત કરીને રેંકડી ચલાવતાં લોકો પોતાની રોજીરોટી માટે ઉપરોકત ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો કરીને લોકોને વેંચતા હોય છે, જામનગરની શાકમાર્કેટમાં શાકના ભાવ શિયાળામાં ખરેખર સસ્તા હોવી જોઇએ, પરંતુ કોણ જાણે કેમ હજુ શિયાળો જોરદાર શરૂ​​​​​​​ થયો નથી, પાઉભાજી કે ઓળો બનાવવા માટે કોઇને પણ ન પોસાય તેવા ભાવ બજારમાં હોવાથી ગૃહીણીના બજેટ આડા અવળા થઇ ગયા છે, શાક બજારમાં શાકની આવક પણ સારી છે, છતાં પણ ભાવ વધી રહ્યા છે, જે ખુબ જ ચિંતાજનક છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application