હિરલબા જાડેજાના વોટ્સએપ ચેટમાંથી સાઇબર ક્રાઇમના મજબૂત પુરાવાઓ મળ્યા

  • May 22, 2025 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


‚પિયા ૭૦ લાખની લેતી દેતી પ્રશ્ર્ને ત્રણ લોકોને ગોંધીને માર મારવાના ગુન્હામાં જૂનાગઢ જેલ હવાલે થયેલા પોરબંદરના હિરલબા જાડેજા અને તેના પાંચ સાગરિતો સામે સાઇબર ક્રાઇમનો ગુન્હો નોંધાતા  જેમાં કર્ણાટક, આંધ્રપ્રદેશમાં કરોડોના ડીજીટલ એરેસ્ટમાંથી અમુક રકમ  હિરલબાના સાગરિતોના ખાતામાં જમા થયાનું ખૂલ્યુ છે તેથી પોલીસ જૂનાગઢ જેલમાંથી હિરલબા જાડેજા અને તેના એક સાગરિતનો કબ્જો લીધો હતો અને દસ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા બે દિવસના રીમાન્ડ મંજૂર થયા છે. ત્યારે ગ્રામ્ય ડી.વાય.એસ.પી. એ પ્રેસ કોન્ફરન્સ યોજીને કેટલીક ચોંકાવનારી વિગતો જાહેર કરી હતી જેમાં હિરલબા જાડેજાના વોટ્સએપ ચેટમાં નાણાની હેરાફેરીના ખૂબજ મજબૂત પુરાવા પોલીસને મળી ગયા છે અને હજુ આ ગુન્હામાં દુબઇથી પણ નેટવર્કનો ઉપયોગ થયાની સંડોવણી ખુલી છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ કૌભાંડ ચાલતુ હોવાની શકયતાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
શ‚આતમાં ૧૪ શંકાસ્પદ ખાતા મળ્યા
હિરલબા જાડેજાના ૭૦ લાખના લેતીદેતી પ્રકરણમાં કુછડીના ત્રણ લોકોને ગોંધી રાખવાના નોંધાયેલા ગુન્હા બાદ પોલીસે જ્યારે હિરલબા જાડેજાના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ ત્યારે કેટલીક બેન્કના દસ્તાવેજો સહિત મિલ્કતોના દસ્તાવેજો મળી આવ્યા હતા અને બેન્ક એકાઉન્ટ વિષે તપાસ કરવામાં આવતા સાયબર ક્રાઇમ પોલીસમથકના  પી.એસ.આઇ. વી.આર. ચાવડાની તપાસમાં એવુ ખુલ્યુ હતુ કે કોટક મહિન્દ્રા બેન્કના ૧૪ જેટલા શંકાસ્પદ ખાતા પોરબંદરમાં હિરલબા સાથે સંકળાયેલા હોય તેવા લોકોના મળ્યા હતા જેમાં પાંચ જેટલા ખાતામાં સાઇબર ક્રાઇમના ગુન્હામાં છેતરપીંડીથી મેળવેલ ૩૫ લાખ ૭૦ હજાર જેવી માતબર રકમ આ ખાતામાં ટ્રાન્સફર થઇ હતી અને ટૂંકા ગાળામાં ખુલેલા ૧૪ ખાતામાંથી ૧૦ ખાતાનું એડ્રેસ હિરલબા જાડેજાનું નિવાસસ્થાન હતુ. તેથી બેન્ક મેનેજરના નિવેદનબાદ પોલીસે હિરલબા સહિત છ શખ્શો સામે સાઇબર ક્રાઇમ હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો. જેમાં હિરલબા જાડેજા તથા તેના માણસો હિતેશ ભીમા ઓડેદરા, પાર્થ સોનઘેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ અને હિરલબાના ડ્રાઇવર રાજુ મેર તથા અન્ય તપાસમાં ખૂલે તે લોકોએ પૂર્વઆયોજિત કાવત‚ રચી ગરીબ લોકોની જાણ બહાર બેન્કમાં ખાતા ખોલાવી સાઇબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોના ‚પિયા તેમના ખાતામાં જમા કરાવ્યા હતા. કરોડો ‚પિયાના ટર્નઓવરવાળા આ ખાતામાં તપાસ કરતા કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી અને હિરલબા જાડેજા તથા તેના સાગરીતને બે દિવસના રીમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે ત્યારે અનેક ચોંકાવનારી વિગતો બહાર આવે તેવું જણાઇ રહ્યુ છે.
ડી.વાય.એસ.પી.એ આપી માહિતી
ગ્રામ્ય ડી.વાય.એસ.પી. સુરજીત મહેડુએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કેટલીક ચોંકાવનારી વિગતો આપી હતી એમાં એવુ જણાવ્યુ હતુ કે હિરલબા અને હિતેશના બે દિવસના રીમાન્ડ મંજૂર થયા છે તેની સાથોસાથ અમે મજબૂત પુરાવાઓ એકત્ર કરી લીધા છે અને આ ગુન્હામાં હિરલબાની જ સીધી સંડોવણી હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યુ છે.
મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન
સાઇબર ક્રાઇમનો ગુન્હો નોંધ્યા બાદ પોલીસે સાહેદ અને સાહેદસાક્ષીઓના નિવેદન લીધા હતા જે તમામના મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાયા છે તેમાં એવી વિગત પ્રાપ્ત થઇ છે કે  જે તે સમયે ૧૫ થી વધુ ખાતામાં ગેરકાયદેસર ટ્રાન્ઝેકશન થયાનું ખૂલ્યુ હતુ. પરંતુ આગળની તપાસમાં એવી વિગત બહાર આવી છે કે અલગ-અલગ બેન્કના ૪૦થી વધુ ખાતા ખોલવામાં આવ્યા હતા અને ૫૦થી વધુ સાઇબર ક્રાઇમની ફરિયાદની રકમ આ ખાતાઓમાં ટ્રાન્ઝેકશન થયાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે.
હિરલબાના વોટ્સએપ ચેટમાં પુરાવા
ગ્રામ્ય ડી.વાય.એસ.પી. સુરજીત મહેડુએ વિગત આપતા જણાવ્યુ હતુ કે હિરલબાના વોટ્સએપ ચેટમાં આ ગુન્હા સંબંધિત મહત્વના પૂરાવા મળી ચૂકયા છે.  જેમની સામે સાઇબર ક્રાઇમના ગુન્હા અલગ-અલગ રાજ્યમાં નોંધાયા છે તે આરોપીઓ સાથેની હિરલબાની ચેટ પ્રાપ્ત થઇ છે એટલું જ નહી પરંતુ જે ‚પિયાના ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા તેની પહોંચના ફોટા, ઓનલાઇન ટ્રાન્સફર થયુ હોય તેના પુરાવા, કાગળમાં હિસાબ અને લખાણ કર્યા હોય તેના પુરાવાથી માંડીને સાઇબર ક્રાઇમની નોટીસ મળી હોય તેવી નોટીસ પણ હિરલબાના વોટ્સએપ ચેટમાંથી મળી છે. સહી કરેલા સેલ્ફના અને કોરા ચેકના ફોટા પણ હિરલબાના વોટ્સએપમાંથી મળ્યા છે. 
આંતરરાષ્ટ્રીય ગેંગની સંડોવણી
વધુમાં પોલીસે જણાવ્યુ હતુ કે આ સાઇબર ક્રાઇમના ગુન્હામાં દુબઇથી નેટવર્ક ઓપરેટ થતુ હોય તેવા પણ કેટલાક પુરાવાઓ મળ્યા છે તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે આ કૌભાંડ ચાલતુ હોય તેવી શકયતા છે. અને આંતરરાષ્ટ્રીય ગેંગની સંડોવણી પણ ટૂંક સમયમાં ખુલે તેવી શકયતા જણાઇ રહી છે.
આમ, પોલીસે આ ગુન્હામાં ખાસ રસ લઇને દરેક પુરાવાઓ એકત્ર કરીને ઉંડાણથી કાર્યવાહી કરી છે અને રીમાન્ડ દરમિયાન પણ હજુ અનેક વિગતો હિરલબા અને હિતેશ ઓડેદરા પાસેથી મળે તેવી શકયતા પોલીસે દર્શાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News