પોલેન્ડના ઓસ્ટ્રોલેકા શહેરમાં આવેલી એક વોકેશનલ સ્કૂલમાં બુધવારે એક સનસનાટીભરી અને હિંસક ઘટના સામે આવી છે, જ્યાં શાળાના જ એક 19 વર્ષીય વિદ્યાર્થીએ ચપ્પુ વડે પોતાના સાથી વિદ્યાર્થીઓ અને શિક્ષક પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ભયાનક હુમલામાં કુલ 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં 1 શિક્ષક અને 6 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોએ ત્વરિત કાર્યવાહી કરીને હુમલાખોર વિદ્યાર્થીને અટકાયતમાં લઈ લીધો છે.
સ્થાનિક મીડિયા આઉટલેટ આરએમએફ 24 (RMF 24) ના રિપોર્ટ અનુસાર આ ભયાનક અકસ્માત ઓસ્ટ્રોલેકાના વોકેશનલ સ્કૂલ કોમ્પ્લેક્સ નંબર 4 માં સર્જાયો હતો. ચપ્પુબાજીની ઘટના બનતાની સાથે જ શાળા સંકુલમાં ભારે નાસભાગ અને અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે એર એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટરને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ઘાયલ થયેલા 7 લોકોમાંથી 2 લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમને ત્વરિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ખાનગી બ્રોડકાસ્ટર આરએમએફ એફએમ (RMF FM) ના રિપોર્ટ મુજબ, હુમલો કરનાર વ્યક્તિ તે જ શાળાનો 19 વર્ષનો વિદ્યાર્થી હતો. હુમલો કર્યા બાદ તે શાળામાંથી પગપાળા ભાગી ગયો હતો, પરંતુ પોલીસે કડક સર્ચ ઓપરેશન હાથ ધરીને નારીવ નદીના કિનારે શહેરના મધ્ય ભાગમાંથી તેની ધરપકડ કરી લીધી હતી. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે કે તેણે આ હિંસક કદમ શા માટે ઉઠાવ્યું.
ઓસ્ટ્રોલેકાના મેયર પાવેલ નિવિયાદોમ્સ્કીએ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, "શાળામાં ધારદાર હથિયાર વડે થયેલા હુમલાની ઘટના અત્યંત દુઃખદ છે. ઇમરજન્સી સેવાઓએ સ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે. તમામ સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે મોજૂદ છે અને પરિસ્થિતિની તપાસ કરી રહ્યા છે." મેયરે તમામ વાલીઓ અને શાળાના કર્મચારીઓને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ સાથે જ તેમણે શહેરની અન્ય તમામ શાળાઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર સખત પ્રતિબંધ મૂકવાના નિર્દેશ જારી કર્યા છે.