જાનથી પતાવી દેવાની ધમકી દીધી : ત્રણ સામે ફરિયાદ
જામનગરમાં ગુલાબ નગર નજીક મોહનનગરમાં રહેતા એક વિદ્યાર્થી યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે ૩ શખ્સોએ હુમલો કરી માથામાં પથ્થર મારી માથું ફોડી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી યુવાનને સારવાર અપાઇ છે.
જામનગરમાં મોહન નગર આવાસના બિલ્ડીંગ નંબર ૧૮ રૂમ નંબર ૬૦૧માં રહેતા કેયુર મિતેશભાઇ બદાણી નામના ૨૧ વર્ષના વિદ્યાર્થી યુવાને પોતાના ઉપર હુમલો કરી પથ્થર વડે માથું ફોડી નાખવા અને ઢીકાપાટુ વડે માર મારવા અંગે આયુષ ભરતભાઈ જાખરીયા, મિહિર ગડા, અને હેમ સંઘવી સામે ફરિયાદ નોંધાવી છે. જયારે ઇજાગ્રસ્ત યુવાનને માથામાં ઇજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાનના પિતાએ આરોપી આયુષને હાથ ઉછીના રૂપિયા આપેલા હતા, તેના બદલામાં ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાંથી રિટર્ન કરાવ્યો હતો. તેની જાણકારી આરોપીને થતાં વિદ્યાર્થી યુવાનને રસ્તામાં રોકીને ત્રણેય શખ્સો એ માર માર્યો હતો, અને તારા પિતાને કહી દેજે, પૈસા આપવા નથી. અને પૈસા માંગતા નહીં, જો માંગશો તો પતાવી નાખશુ.જે અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
જનતા ફાટક રોડ પર એકટીવા સ્લીપ થતાં મહિલાને ઇજા
જામનગરમાં જનતા ફાટક રોડ પર શનિવારે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. એક સ્કૂટર એકાએક સ્લીપ થયું હતું. જે અકસ્માતમાં એક મહિલા ઘાયલ થઈને માર્ગ પર બેશુદ્ધ થઈ હતી.આ અકસ્માતના બનાવ અંગેની જાણ થતાં ૧૦૮ની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી, અને ઇજાગ્રસ્ત મહિલાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો બનાવના સ્થળે અને ત્યારબાદ જીજી હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.