ધોરાજીમાં સોશિયલ મીડિયામાં બાઇક ચાલક સ્ટંટ કરતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી સ્ટંટબાજી કરનાર આ ચાલકને ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે બાઇકના કાગળ માંગતા આ શખસ કાગળ રજુ ન કરી શકતા પોલીસે બાઇક ડિટેઇન કર્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. વાસુદેવસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ડી સ્ટાફમાં ફરજ બજાવે છે. ગઇકાલે તે ફરજ પર હતા ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં એક બાઇકચાલક ધોરાજીના સફુરાના નદીના કાંઠે નિર્મળ પથ પર બાઇકમાં સ્ટંટ કરતો હોવાનું નજરે પડયું હતું. જેથી વાઇરલ થયેલા આ વીડિયોના લઇ ફરિયાદી તથા સાથી કર્મચારી હેડ કોન્સ. નારણભાઇ પંપાણીયા, કોન્સ. રાજુભાઇ ભોળદરીયા તથા ટીમે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન આ બાઇકચાલક ધોરાજી જુનાગઢ રોડ પર લોહાણા સમાજની વાડી પાસે ઉભો હોવાની બાતમી મળતા પોલીસે અહીં પહોંચી આ બાઇકચાલકને ઝડપી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા તેનું નામ પ્રશાંત ઉર્ફે ગોદીયો કાન્તીભાઇ નિમાવત(ઉ.વ. ૨૩ રહે. ફેરણી રોડ, રેલવે બ્રિજ પાસે,ધોરાજી) હોવાનું જણાવ્યું હતું. આ શખસે સાડા ત્રણ માસ પૂર્વે નિર્મળ પથ રોડ પર બાઇક પર સ્ટંટ કરી તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયમાં મૂકયો હોવાની કબુલાત આપી હતી. જેથી લોકોની જિંદગી જોખમાઇ તે રીતે બાઇક ચલાવવા અંગે પોલીસે તેની સામે એમવીએટકની કાર્યવાહી કરી હતી. આ શખસ પાસેથી બાઇકના કાગળો માંગતા તે રજુ ન કરી શકતા પોલીસે બાઇક ડિટેઇન કર્યુ હતું.