જામનગરની જી.જી.હોસ્પિટલમાં જીવલેણ ચામડીના રોગથી પીડાતી યુવતીની સફળ સારવાર કરવામાં આવી છે. કાર્બામાઝેપી દવાના કારણે ગંભીર એલર્જીક પ્રતિક્રીયાથી યુવતીની ચામડીનું ઉપરનું સ્તર છૂટું પડી ગયું હતું. હોસ્પિટલના સ્કીન વિભાગના વડા અને ટીમ દ્રારા કરવામાં આવેલી સારવાથી યુવતી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવી હતી. જી.જી.હોસ્પિટલના સ્કીન વિભાગે તબીબી ક્ષેત્રે મહત્વની સિઘ્ધિ મેળવી છે.
જામનગરની જી.જી.હોસ્પિટલના સ્કિન વિભાગમાં કોસ્મેટિક બીમારી સિવાય પણ ઘણા જીવલેણ સાબિત થઈ શકે તે પ્રકારના રોગથી પીડાતા દર્દીઓ પણ આવે છે.જેમાં પેમ્ફિગસ વલ્ગેરિસ, એરીથ્રોડરમાં, ડ્રગ રિએક્શનનો સમાવેશ થાય છે.પોરબંદરની ૨૦ વર્ષની એક યુવતી સ્ટીવન જ્હોનસન સિન્ડ્રોમથી પીડાતી સ્થિતિમાં દાખલ થઈ હતી.
જે ગંભીર ટોક્સિક એપિડર્મલ નેક્રોલાયસિસ નામની બીમારીમાં રૂપાંતરિત થઈ હતી. તબીબી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ દુર્લભ પરંતુ જીવલેણ સ્થિતિનું કારણ કાર્બામાઝેપીને નામની દવા હતી.જે ઘણી વખત ગંભીર એલર્જીક પ્રતિક્રિયારૂપે ચામડી ઉપર ખૂબજ ગંભીર અસર દર્શાવી શકે છે.ટોક્સિક એપિડર્મલ નેક્રોલાયસિસ બીમારીમાં ત્વચાનું ઉપરનું સ્તર છૂટુ પડી જાય છે અને ગંભીર દાઝવા જેવી સ્થિતિ સર્જાઈ જાય છે. ત્વચાનું રક્ષાત્મક આવરણ દૂર થતા અનેક જીવલેણ પરિસ્થિતિ ઊભી થાય છે. જેમાં સૌથી ગંભીર પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપથી ડિહાઇડ્રેશન થાય છે. તદઉપરાંત સેપ્ટિસેમિયા એટલે કે લોહીનું જેરી ચેપ થાઇ છે, જે મૃત્યુ નું સામાન્ય કારણ છે. આ ઉપરાંત મોં, ગળું, આંખો અને શ્ર્વાસનળીના મ્યુકસમેમ્બ્રેમાં ફોડલા થવાથી શ્વાસ લેવામાં તકલીફ અને આંખની દ્રષ્ટિ પર કાયમી અસર આવી શકે છે.
જામનગરની જી.જી. હોસ્પિટલના સ્કિન વિભાગનાના પ્રોફેસર અને વડા ડો. દેવલ એન. વોરા અને તેમની ટીમ દ્વારા યુવતીની તાકીદની અસરથી આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે સારવાર ચાલુ કરવામાં આવી હતી. દર્દીને સહાયક પ્રોફેસર ડો.કાજોમી શિંગાળા, સીનિયર રેસિડેન્ટસ અને જુનિયર રેસિડેન્ટસ ડોક્ટરોએ દિવસ રાત મહેનત કરીને હાઇ ડોસ ઇન્ટ્રાવિનસ ઇમ્યુનોગ્લોબુમિન, કેપ્સ્યુલ સાયક્લોસ્પોરિન, હાયર એન્ટીબાયોટિક્સ જેવી મોંઘી દવાઓ સહિત અન્ય સહાયક દવાઓ, પ્રવાહી ઉપચાર, રેગ્યુલર ડ્રેસિંગ કરાયું હતું. લગભગ ૨૦ દિવસની સતત અને સંયુક્ત સારવાર બાદ દર્દીની સ્થિતિમાં સુધારો નોંધાયો હતો. યુવતી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા મળતા કોઈપણ ગંભીર જટીલતા વગર સામાન્ય જીવન તરફ પાછી ફરી છે.
આ સફળ સારવાર માટે હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટ અને ડીન દ્વારા તાત્કાલિક આઇવીઆઇજી ઉપલબ્ધ કરાવતા આ સારવાર સફળ થઈ હતી. ચામડીની જીવલેણ બીમારીમાં યુવતીની સફળ સારવારથી તબીબોની કુશળતા અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ વધુ એક વખત જોવા મળ્યું છે. સાથે જ, યોગ્ય માર્ગદર્શન વગર દવાના સેવનથી ગંભીર બીમારી થઇ શકે છે તે પુરવાર થતા તબીબી સલાહ મુજબ દવાની મહત્વતા વધુ એક વખત સાબીત થઇ છે.