દેશના રાજકારણમાં ગુરુવારનો દિવસ ‘રાજીનામાના દિવસ’ તરીકે ઓળખાશે. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના ઉપરાજ્યપાલ (LG) કવિન્દ્ર ગુપ્તાએ તેમના પદ પરથી અચાનક રાજીનામું આપી દીધું છે. આ ઘટનાક્રમે લદ્દાખના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવ્યો છે, કારણ કે આ રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે પણ વિવાદો અને ચર્ચાઓ વચ્ચે પોતાનું પદ છોડ્યું છે.
લદ્દાખમાં ટૂંકી પણ ચર્ચિત ઈનિંગ
કવિન્દ્ર ગુપ્તાની લદ્દાખના LG તરીકેની સફર ઘણી ટૂંકી રહી. જુલાઈ ૨૦૨૫ માં કાર્યભાર સંભાળ્યા બાદ માત્ર આઠ-નવ મહિનામાં જ તેમણે પદ છોડ્યું છે.
ક્રમ: તેઓ લદ્દાખના ત્રીજા લેફ્ટનન્ટ ગવર્નર હતા.
પુરોગામી: તેમણે બ્રિગેડિયર બીડી મિશ્રાનું સ્થાન લીધું હતું.
ઈતિહાસ: ૨૦૧૯માં લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ આરકે માથુર પ્રથમ LG બન્યા હતા.
બંગાળમાં ‘પર્યાપ્ત સમય’ વિતાવ્યા બાદ વિદાય
બીજી તરફ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે પણ રાજીનામું આપી સીધા દિલ્હી રવાના થયા છે. ૩.૫ વર્ષના કાર્યકાળ બાદ તેમણે ન્યૂઝ એજન્સીને આપેલી પ્રતિક્રિયામાં થોડો ‘વિટ’ ઉમેરતા કહ્યું કે, "મેં રાજભવનમાં પૂરતો સમય વિતાવ્યો છે." તેમના આ વિધાનથી અટકળો તેજ થઈ છે કે શું તેઓ કોઈ સક્રિય રાજકારણમાં પરત ફરી રહ્યા છે કે કેમ?