દિવાળીના તહેવાર પહેલાં મોંઘવારીનો વધુ એક ઝટકો સામાન્ય ગ્રાહકોને લાગ્યો છે. ખાંડના ભાવમાં ફરી એકવાર વધારો થતાં હવે તહેવારોમાં મીઠાઈ અને અન્ય મીઠી વાનગીઓ બનાવવી મોંઘી પડી શકે છે. છેલ્લા એક મહિનામાં જ ખાંડના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ.4થી વધુનો વધારો નોંધાયો છે. તહેવારોની મોસમમાં ખાંડની વધતી માંગ અને બજારમાં મર્યાદિત ઉપલબ્ધતાને કારણે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં ખાંડનો સરેરાશ છૂટક ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.59.50 સુધી પહોંચી ગયો છે. જ્યારે સરેરાશ જથ્થાબંધ ભાવ રૂ.55.40 પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે. એક વર્ષ પહેલાં ખાંડનો સરેરાશ છૂટક ભાવ રૂ.46.50 અને જથ્થાબંધ ભાવ રૂ.43.23 પ્રતિ કિલોગ્રામ હતો. આમ, એક વર્ષમાં છૂટક બજારમાં ખાંડ પ્રતિ કિલોએ આશરે રૂ.13 અને જથ્થાબંધ બજારમાં રૂ.12થી વધુ મોંઘી થઈ છે.
3 નવેમ્બરના આંકડા પ્રમાણે દેશનાં મુખ્ય શહેરોમાં ખાંડના ભાવમાં પણ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. કોલકાતામાં ખાંડનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.65 નોંધાયો છે, જે સૌથી વધુ છે. જ્યારે દિલ્હીમાં રૂ.64 અને મુંબઈમાં રૂ.61 પ્રતિ કિલોગ્રામ ભાવ રહ્યો છે. એક વર્ષ પહેલાં કોલકાતામાં ખાંડ રૂ.50, દિલ્હીમાં રૂ.46 અને મુંબઈમાં રૂ.45 પ્રતિ કિલોગ્રામ મળતી હતી. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે મોટા શહેરોમાં પણ ખાંડના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડની ઉપલબ્ધતામાં ઘટાડો અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે પણ ભાવ પર દબાણ વધ્યું છે. કેટલાક વેપારીઓ દ્વારા ખાંડનો સંગ્રહ કરવામાં આવતો હોવાની બાબત પણ બજારમાં ઉપલબ્ધતાને અસર કરી રહી છે.
સરકારી પગલાં છતાં ભાવમાં ઘટાડો નહીં
ખાંડના ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકારે વેપારીઓના સ્ટોક પર મર્યાદા, આયાતને મંજૂરી અને સ્ટોકની નિયમિત દેખરેખ જેવા પગલાં લીધાં છે. ખાંડની મિલોમાં શેરડીનું પિલાણ પણ સામાન્ય સમય કરતાં વહેલું શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આ પ્રયાસો છતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો નથી. દિવાળી નજીક આવતાં ખાંડના ભાવમાં થયેલો આ વધારો સામાન્ય પરિવારોના તહેવારના બજેટ પર પણ અસર કરી શકે છે.
ઉત્પાદન ઘટ્યું, માંગ વધી
ખાંડના ભાવમાં વધારા પાછળ અનેક કારણો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ચાલુ વર્ષે અગાઉની સીઝનની સરખામણીએ ખાંડનું ઉત્પાદન ઓછું રહેતાં બજારમાં તેની ઉપલબ્ધતા પર અસર પડી છે. બીજી તરફ દિવાળી સહિતના તહેવારો દરમિયાન મીઠાઈ, ફરસાણ અને અન્ય મીઠી વાનગીઓ બનાવવા માટે ખાંડની માંગમાં વધારો થયો છે. હવામાનની પ્રતિકૂળ સ્થિતિ અને શેરડીના પાકમાં રોગચાળાને કારણે પણ ઉત્પાદન પર અસર પડી છે.