સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી શિયાળાની સિઝનમાં લોકો ઉનાળાની ગરમી જેવો અનુભવ કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં સરેરાશ 30 થી 33.8 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રવિવારે નોંધાયું હતું. સૌથી ઊંચું તાપમાન ગુજરાતમાં સુરત ખાતે 33.8 અને સૌરાષ્ટ્ર કચ્છમાં રાજકોટ ખાતે 32.8 ડીગ્રી નોંધાયું હતું.
રવિવારે ભાવનગરમાં 30.1 કંડલામાં 31.4 નલિયામાં 30.6 પોરબંદરમાં 31.6 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે રાત્રે હિમાલયન રિજીયનને પ્રભાવિત કરે તેવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવેટ થશે અને આવું બીજું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ તારીખ 5 ના એક્ટિવેટ થશે. ઉપરાઉપરી બબ્બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા હોવાથી લઘુતમ અને મહત્તમ તાપમાન નું પ્રમાણ ઓછું થશે અને બરફીલા પવનના કારણે ઠંડીમાં વધારો થશે.
અરબી સમુદ્રના સાઉથ ઇસ્ટ ભાગમાં લક્ષદીપ અને કેરલા નજીક દરિયાની સપાટીથી 0.9 કિલોમીટરની ઊંચાઈ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે અને તેની અસરના ભાગરૂપે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અને તેમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળીયું વાતાવરણ છવાયું છે.
આ ઉપરાંત નોર્થ ગુજરાતથી હરિયાણાના સાયક્લોનિક સર્ક્યુલેશન સુધી એક ટ્રફ જોવા મળે છે અને તેની અસરના ભાગરૂપે પણ વાતાવરણમાં પલટાની શક્યતા નિહાળવામાં આવી રહી છે.
વાતાવરણમાં ફેરફાર થાય ત્યારે ખરો, પરંતુ આજે તો ઠંડી સાવ ગાયબ થઈ ગઈ હોય તેવું જણાય છે. આજે અમરેલીમાં લઘુતમ તાપમાન 18.6 ભાવનગરમાં 20.3 ભુજમાં 15.6 દ્વારકામાં 17.8 કંડલામાં 18 નલિયામાં 12.5 ઓખામાં 19.8 પોરબંદરમાં 16.2 રાજકોટમાં 17 અને વેરાવળમાં 20.5 ડિગ્રી નોંધાયું છે.