રાજકોટ સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટી સુધી ભરાયો છે બરાબર ત્યારે જ છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જળાશયોમાં સૌની યોજના હેઠળ ઠાલવવામાં આવતું નર્મદાનીર બંધ કરી દેવામાં આવતા દેકારો બોલી ગયો છે. સૌની યોજના લિંક-૧ હેઠળના ભાવનગર અને બોટાદ જિલ્લાના અમુક જળાશયોમાં નર્મદા નીર ઠાલવવાનું ચાલું છે. જ્યારે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના જળાશયોમાં સપ્તાહથી પાણી ઠાલવવાનું બંધ કરાયું છે અને ક્યારથી શરૂ થશે તે અંગે કોઇ જાહેરાત કરાઇ નથી.વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નર્મદા કેનાલ મેઇન્ટેનન્સના નામે શટ ડાઉન લેવામાં આવ્યો હતો ત્યારે ત્રણ ચાર દિવસ નર્મદાનીર નહીં મળે તેવી જાહેરાત સ્થાનિક કક્ષાએથી કરવામાં આવી હતી પરંતુ એક સપ્તાહથી વધુ સમય વીતી જવા છતાં સૌની યોજનાનું નર્મદા નીર ઠાલવવાનું હજુ સુધી શરૂ કરાયું ન હોય જળાશયોની સપાટી ઝડપભેર ઘટવા લાગી છે. આ ચોમાસે અડધા સૌરાષ્ટ્રમાં અપૂરતા વરસાદને કારણે મોટા ભાગના જળાશયો ખાલી જ રહ્યા છે ત્યારે જો સમયસર નર્મદાનીર નહીં ઠાલવવામાં આવે તો દિવાળી પછી શિયાળાના પ્રારંભે જ પાણી પ્રશ્ન મોઢું ફાડશે તે નિશ્ચિત છે. સૌથી ગંભીર વાત તો એ છે કે સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવાનું ક્યારથી શરૂ થશે તે અંગે સત્તાવાર કોઇ જાહેરાત કરાતી ન હોય સૌરાષ્ટ્રના સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ અને ઇજનેરો પાસે જનતાને આપવા માટે કોઈ જવાબ ઉપલબ્ધ રહ્યો નથી.