સુપ્રીમ કોર્ટે દેશમાં કેન્સરની દવાઓની અતિશય ઊંચી કિંમતો સામે સખત નારાજગી વ્યક્ત કરતાં કેન્દ્ર સરકારને આકરા સવાલો પૂછ્યા છે. કોર્ટે પૂછ્યું કે જે કેન્સરની દવાની મૂળ કિંમત ₹2,700 છે તેના પર ₹27,000 ની એમઆરપી (MRP) કેવી રીતે છાપવામાં આવી શકે? દવાઓની કિંમતોમાં આ પ્રકારના અંધાધૂંધ વધારા અને કાળાબજારી પર તીખી ટિપ્પણી કરતાં સર્વોચ્ચ અદાલતે આ સ્થિતિને નરસંહાર સમાન ગણાવી છે.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે મંગળવારે દવાઓની કિંમતો અને જેનરિક દવાઓ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે અત્યંત ગંભીર વલણ અપનાવતા કહ્યું કે, કોર્પોરેટ ક્ષેત્ર કોઈના પર દયા દાખવતું નથી અને મનોવૃત્તિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હોસ્પિટલો શબને પણ બહાર જવા દેતી નથી.
સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના 2025-26 ના વાર્ષિક અહેવાલ મુજબ, 2024-25 ના વર્ષમાં ભારતમાં કેન્સર વિરોધી દવાઓનું વાર્ષિક વેચાણ ₹5,281 કરોડ સુધી પહોંચી ગયું છે, જે 2021-22 માં ₹3,382 કરોડ હતું. આમ છેલ્લા ત્રણ વર્ષમાં કેન્સરની દવાઓના વેચાણમાં 56% નોંગીપાત્ર વધારો થયો છે.
સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જો કોઈ દર્દી સરકારી યોજના હેઠળ ઈલાજ કરાવી રહ્યો હોય તો આટલી ઊંચી કિંમતનું ચૂકવણું સરકારી તિજોરી અને કરદાતાઓ (ટેક્સપેયર્સ) ના ખિસ્સામાંથી જ જાય છે. બીજી તરફ, પ્રાઇવેટ હોસ્પિટલો ઉદ્યોગની જેમ કામ કરી રહી છે અને દર્દીઓને પોતાની જ ફાર્મસીમાંથી મોંઘી દવાઓ ખરીદવા માટે મજબૂર કરે છે.
કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્વીકાર્યું હતું કે આમાં મોટો નફો ખાનગી હોસ્પિટલો કમાઈ રહી છે. અરજદારોએ કોર્ટમાં દલીલ કરી હતી કે જે દવાઓની કિંમત સરકાર નક્કી કરે છે તેનો બજારમાં હિસ્સો ખૂબ ઓછો છે, જ્યારે બિન-નિયંત્રિત દવાઓનો હિસ્સો 80% થી વધુ છે. આના કારણે ગંભીર બીમારીઓથી પીડાતા અનેક દર્દીઓએ પોતાના ઘર, મિલકત કે દાગીના વેચવા પડે છે.