BREAKING NEWS

બેથી વધુ બાળકો પર ચૂંટણી લડવાની રોક પર સુપ્રીમ કોર્ટ પુનર્વિચાર કરી શકે

  • August 05, 2026 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના વિવિધ રાજ્યોમાં પંચાયત અને સ્થાનિક શહેરી સંસ્થાઓની ચૂંટણીઓમાં બેથી વધુ બાળકો ધરાવતી વ્યક્તિઓ પર ચૂંટણી લડવા પર મૂકવામાં આવેલા પ્રતિબંધના નિયમ અંગે સુપ્રીમ કોર્ટ પુનર્વિચાર કરી શકે છે. ગઈકાલે મહારાષ્ટ્રના એક કેસની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની બેંચે સુનવણી પૂર્ણ કર્યા બાદ જણાવ્યું હતું કે, કોર્ટ એ બાબતે નિર્ણય લેશે કે ૨૦૦૩ના બહુચર્ચિત ‘જાવેદ વિરૂદ્ધ હરિયાણા સરકાર’ કેસના ચુકાદા પર પુનર્વિચાર કરવો કે પછી આ મામલાને વધુ મોટી ખંડપીઠ (લાર્જર બેંચ)ને સોંપવો. ૨૦૦૩ના કેસમાં સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચે હરિયાણા પંચાયતી રાજ અધિનિયમ, ૧૯૯૪ની બંધારણીય વૈધતાને માન્ય રાખી હતી, જેના હેઠળ બેથી વધુ જીવિત બાળકો ધરાવતી વ્યક્તિઓને સ્થાનિક ચૂંટણીઓ લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલો મહારાષ્ટ્રની એક પંચાયત પ્રતિનિધિ મંગલા સાથે જોડાયેલો છે. કલેક્ટરે બેથી વધુ બાળકો હોવાના કારણે તેમને પંચાયત પદ માટે અયોગ્ય ઠેરવ્યા હતા. આ નિર્ણયને મંગલાએ બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે નવેમ્બર ૨૦૨૫માં હાઈકોર્ટના આ આદેશ પર સ્ટે આપ્યો હતો અને આ કેસનો વ્યાપ વધાર્યો હતો. અદાલતે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે દેશમાં ઘટી રહેલા પ્રજનન દરને જોતાં શું આ પ્રકારનો પ્રતિબંધ આજે પણ સુસંગત છે કે કેમ? આ અંગે અદાલતે તમામ રાજ્યો પાસેથી હાલની સ્થિતિનો અહેવાલ માગ્યો હતો. સુનાવણી દરમિયાન એડવોકેટ રુકમિણી બોબડે અને પ્રતીક બોમ્બાર્ડે રાજ્યોના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, દેશના ૧૫ રાજ્યોમાં આવો કોઈ પ્રતિબંધ કે નીતિ નથી. વધુમાં, સાત રાજ્યોએ આ 'બે-બાળકો'નો નિયમ રદ્દ કરી દીધો છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢે ૨૦૦૫માં જ આ નિયમ હટાવી લીધો હતો, જ્યારે રાજસ્થાને પણ તાજેતરમાં જ તેને નાબૂદ કર્યો છે. જોકે, ગુજરાત, મહારાષ્ટ્ર, અસમ, ગોવા, ઓડિશા અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં આ નિયમ હજુ પણ અમલમાં છે. હવે સુપ્રીમ કોર્ટના આગામી ચુકાદા પર સૌની નજર ટકેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application