સમગ્ર પંથકમાં ચકચાર જગાવનાર જસદણ આલ્ફા નવોદય હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનું તાવ ચિકન પોક્સની બિમારીમાં થયેલું મૃત્યુ સારવારમાં બેદરકારીથી થયું હોવાની ફરીયાદમાં જેલ હવાલે થયેલા હોસ્ટેલ સંચાલકો જયસુખ સંખારવા અને હિરેન સંખારવાને ગુજરાત હાઇકોર્ટે આપેલા જામીનનો હુકમ રદ કરવા ફરિયાદી દ્વારા કરવામાં આવેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી બંને સંચાલકોને હાઇકોર્ટે આપેલા જામીન યથાવત રહ્યા છે.
જસદણમાં ચિતલીયા કુવા રોડ પર આવેલી આલ્ફા નવોદય અને સૈનિક સ્કૂલ ટ્રેનિંગ સેન્ટર (હોસ્ટેલ)માં રહેતી અને મુળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા જાદરા ગામની વતની અને ધોરણ-૫ માં અભ્યાસ કરતી ૧૦ વર્ષની વિદ્યાર્થિની આયુષી રમેશભાઈ બલદાણીયાનું તાવ અને અછબડાની બીમારી બાદ સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જેથી બાળકીના પરીવારજનોએ સંચાલકો સામે આક્ષેપો કરતી પિતાની ફરીયાદ ફરિયાદના આધારે આલ્ફા કોચિંગ સેન્ટરના સંચાલકો જયસુખભાઈ સંખારવા અને હિરેનભાઈ સંખારવા વિરુદ્ધ બેદરકારી સહીતનો ગુનો નોંધી બન્ને આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી બાદ
જેલહવાલે કર્યા હતા. ત્યારબાદ બંને આરોપીની રેગ્યુલર જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટે નામંજૂર કરતા આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
તેમાં ફરિયાદી પક્ષ આક્ષેપ કર્યો હતો કે બાળકી ચિકનપોક્સ જેવી બીમારીથી પીડાતી હોવા છતાં સમયસર નિષ્ણાત તબીબ પાસે સારવાર કરાવવામાં આવી ન હતી. બાળકીની તબિયત વધુ ગંભીર બનતી હોવા છતાં માતા-પિતાને જાણ કરવામાં આવી ન હતી અને યોગ્ય સમયે સારવાર ન મળવાના કારણે તેનું મૃત્યુ થયું હોવાની દલીલો થઈ હતી. બીજી તરફ આરોપીઓ વતી એડવોકેટ તુષાર ગોકાણી દ્વારારજૂઆત કરવામાં આવી હતી કે બાળકીની પૂરતી સંભાળ લેવામાં આવી હતી, સ્પેશિયલ ચાઈલ્ડ હોસ્પિટલ ઉપરાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ તેની સારવાર માટે જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. હાઇકોર્ટે તબીબી દસ્તાવેજો સહિત કેસની પ્રાથમિક હકીકતો અને આરોપીઓ તરફે રજૂ થયેલી દલીલોને ધ્યાને લઇ બંને સંચાલકોને જામીન મંજૂર કર્યા હતા.
હાઇકોર્ટના આ હુકમ સામે ફરિયાદીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો અને રેકર્ડ પરના દસ્તાવેજો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. અંતે સર્વોચ્ચ અદાલતે ગુજરાત હાઇકોર્ટે આરોપીઓને આપેલા જામીનના હુકમમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી ફરિયાદીની અરજી ડિસમિસ કરી હતી. પરિણામે આલ્ફા નવોદય હોસ્ટેલના સંચાલકોને મળેલા જામીન યથાવત રહ્યા છે.
આ ચકચારી પ્રકરણમાં આરોપીઓ વતી સેશન્સ કોર્ટથી લઇ સુપ્રીમ કોર્ટ સુધી સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી સાથે રીપન ગોકાણી,કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, નંદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી, મૃત્યુંજય જોષી, જયદેવસિંહ જાડેજા, હીરલ નિમાવત રોકાયા હતા.