રાજકોટ ધોરાજીમાં રહેતા અને અહીં જીનમેલ રોડ પર યોગી એન્ટરપ્રાઇઝ નામે પેઢી ધરાવનાર વેપારી પાસેથી સુરતના શખસે માખીયાળા,જુનાગઢ- ધોરાજી રોડ પર આવેલા પોતાના બાયોકોલ કારખાના માટે મગફળીની ફોતરીનો માલ મંગાવ્યો હતો. શરૂઆતમાં પાર્ટ પેમેન્ટ કર્યા બાદ આ શખસે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું વેપારીએ કુલ રૂપિયા 70.17 લાખનો માલ આરોપીના કારખાને મોકલ્યો હોય જે પૈકી 15 લાખનું પાર્ટ પેમેન્ટ કર્યા બાદ બાકી રહેતી રકમ 55.17 લાખ ન ચૂકવી વેપારી સાથે વિશ્વાસઘાત કરતા આ અંગે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજીમાં નવા બસ સ્ટેન્ડ પાસે રહેતા મયુર રણછોડભાઈ દેસાઈ (ઉ.વ. 37) નામના વેપારીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે સુરતમાં રહેતા એમ.વિશાલ એન્ડ કુ. પેઢીના માલિક વિશાલ મનજીભાઈ માંગુકિયાનું નામ આપ્યું છે વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ધોરાજીમાં જૈન મિલ રોડ પર ખરાવડ પ્લોટ ખાતે યોગી એન્ટરપ્રાઇઝ નામની પેઢી આવેલી છે. આ પેઢી તેમના પિતા રણછોડભાઈ દેસાઈના નામે રજીસ્ટર છે. અહીં પેઢીમાં માર્કેટમાંથી સીંગદાણાના કારખાનામાંથી મગફળી ફોતરી લઈ બાયોકોલ બનાવતી અલગ અલગ કંપનીને ફોતરી વેચવાનો વ્યવસાય કરે છે. મયુરભાઈ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2025 માં વિશાલ મનજીભાઈ માંગુકિયાએ ફરિયાદીના પિતા રણછોડભાઈ દેસાઈને ફોન કરી તેમનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે, મારે માખીયાળા, જુનાગઢ-ધોરાજી રોડ પર પૂનમ વેબ બ્રિજની પાસે એમ.વિશાલ એન્ડ નામથી બાયોકોલ કારખાનું ચાલુ કરવાનું છે અને મારે તમારી સાથે મગફળીના ફોતરીનો વેપાર કરવો છે. ત્યારબાદ બે-ત્રણ દિવસ બાદ વિશાલ ફરિયાદીની ઓફિસે તેના પિતાને મળવા માટે આવ્યો હતો અને વેપાર કરવાનું નક્કી કરી પેમેન્ટની ટર્મ અને કન્ડિશન ૧૫ થી ૨૦ દિવસ રાખી હતી. બાદમાં વિશાલના કહેવાથી 20-2-2025 ના પ્રથમ ફોતરીની ગાડી જુનાગઢથી ભરાવી વિશાલ એન્ડ કુ ના કારખાને મોકલી હતી. ત્યારબાદ તારીખ 12-3- 2025 સુધીમાં 29 પાલ (29 ગાડી) ફોતરીની વિશાલના કારખાને મોકલી હતી. તારીખ 21-3-2025 ના તેનું તેનું બિલ 17.44 લાખ વિશાલને મોકલ્યું હતું જે બિલ પેટે વિશાલે બે કટકામાં 10 લાખનું પાર્ટ પેમેન્ટ કર્યું હતું. બાદમાં આ પ્રકારે આરોપીના કહ્યા મુજબ તેમને મગફળીની ફોતરીનો માલ વેપારીની પેઢી દ્વારા મોકલવામાં આવ્યો હતો જેનું શરૂઆતમાં પાર્ટ પેમેન્ટ કરી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો જેથી વેપારીએ તેના કહ્યા મુજબ માલ મોકલતા રહ્યા હતા. બાદમાં બાકી પેમેન્ટની રકમ વધી જતા આ બાબતે વિશાલને કહેતા તેણે કહ્યું હતું કે મારું એક પેમેન્ટ અટવાયેલું છે એ આવી જશે એટલે હું તમારો બધો હિસાબ ચૂકતે કરી દઈશ અત્યારે સીઝન છે એટલે બજારપીઠે માલ ચાલુ રાખજો. જેથી આ વિશાલ પર ભરોસો કરી માલ મોકલવાનું ચાલુ રાખ્યું હતું ત્યારબાદ પણ તેણે પેમેન્ટ ન ચૂકવતા ફરી તેને બાકી રહેતી રકમ ચૂકવવાનું કહેતા તેણે કહ્યું હતું કે તમે માલ નાખવાનું ચાલુ રાખો હું હિસાબ ચૂકતે કરી દઈશ. પરંતુ બાકી રકમ વધી ગયેલ હોય જેથી વેપારીએ માલ મોકલવાનું બંધ કરી દીધું હતું. આરોપીના વિશ્વાસમાં આવી તા. 28-2-2025 થી તા. 22-7-2025 સુધીમાં વેપારીએ કુલ 119 પાલ (119 ગાડી) મગફળી ફોતરીનો માલ તેને મોકલ્યો હતો જેની કિંમત રૂપિયા 70,17,477 છે જેનું વિશાલે રૂપિયા ૧૫ લાખ પાર્ટ પેમેન્ટ કર્યું હોય બાકી રહેતી રકમ રૂપિયા 55,17,477 તેણે ચૂકવી ન હોય અને તેની માંગણી કરતા બહાના આપતો હોય અને આજદિન સુધી રકમ ન ચૂકવતા અંતે વેપારીએ આ અંગે વિશાલ માંગુકિયા વિરુદ્ધ વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application