વૈભવ સૂર્યવંશીને એશિયન ગેમ્સ 2026, આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા માટે પસંદ કરવામાં આવ્યો છે. છેલ્લા બે સીઝનથી IPLમાં ધમાલ મચાવનાર વૈભવે ટીમ ઇન્ડિયામાં જોડાઈને સચિન તેંડુલકરનો ઐતિહાસિક રેકોર્ડ તોડ્યો છે. હકિકતમાં, 15 વર્ષનો વૈભવ ટીમ ઇન્ડિયા માટે પસંદ કરાયેલ સૌથી યુવા ખેલાડી બન્યો છે.
શુક્રવાર, 6 જૂનના રોજ, BCCIએ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ તેમજ એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. વૈભવનો ત્રણેય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે વૈભવે IPL 2026માં 776 રન બનાવીને અને ઓરેન્જ કેપ જીતીને ઇતિહાસ રચ્યો હતો.
સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
સચિન તેંડુલકરને પહેલીવાર 1989માં ટીમ ઇન્ડિયા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમને નવેમ્બર 1989માં માત્ર 16 વર્ષ અને 2025 દિવસની ઉંમરે પાકિસ્તાનનો પ્રવાસ કરવાની તક આપવામાં આવી હતી, અને તેમણે તે પ્રવાસ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. જોકે, વૈભવે માત્ર 15 વર્ષ 71 દિવસની ઉંમરે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું છે.
જો વૈભવ આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ અથવા એશિયન ગેમ્સમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બને છે તો તે ભારતના સૌથી નાની ઉંમરના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂનો રેકોર્ડ પણ ઉમેરશે. હાલમાં, આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, જેમણે ટીમ ઈન્ડિયા માટે પોતાની પહેલી મેચ 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે રમી હતી. તેમના પછી પિયુષ ચાવલાનો નંબર આવે છે, જેમણે 17 વર્ષ અને 75 દિવસની ઉંમરે પોતાની પહેલી મેચ રમી હતી.