BREAKING NEWS

સ્વિગી ઇન્સ્ટામાર્ટની મુશ્કેલીઓ વધી: વાસી ઈંડા, એક્સપાયર્ડ પ્રોટીન પાવડર અને ખરાબ બેબી ફૂડ વેચવા બદલ FSSAI એ ફટકારી 9 નોટિસ

  • July 11, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ક્વિક કોમર્સ (ઝડપી ડિલિવરી) પ્લેટફોર્મ સ્વિગી ઇન્સ્ટામાર્ટ (Swiggy Instamart) ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના ગંભીર મામલે કાયદાકીય સકંજામાં ફસાઈ છે. ગ્રાહકો તરફથી મળેલી અસંખ્ય ફરિયાદો બાદ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ શનિવારે સ્વિગી ઇન્સ્ટામાર્ટને એકસાથે ૯ કારણદર્શક નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે. કંપની પર એક્સપાયરી ડેટ વાળા, સડેલા અને દૂષિત ખાદ્ય પદાર્થો વેચવાનો ગંભીર આરોપ છે. ખાદ્ય નિયામકે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો નિયત સમયમાં સંતોષકારક જવાબ અને અનુપાલન અહેવાલ (Compliance Report) નહીં સોંપાય તો કંપની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.


ખોટા લાયસન્સ અને એક્સપાયર્ડ પ્રોટીન પાવડર-ઈંડા વેચ્યાનો ખુલાસો
FSSAI ની પ્રાથમિક તપાસમાં સ્વિગી ઇન્સ્ટામાર્ટના સ્ટોરેજ અને ગુણવત્તા નિયંત્રણમાં ગંભીર બેદરકારી સામે આવી છે:


એક્સપાયરી ડેટ બાદ પણ વેચાણ: 
‘હેલ્થીફાય ૧૦૦% વ્હે પ્રોટીન’ અને ‘નોઈસ હોમસ્ટાઈલ મદ્રાસ મિક્સચર’ જેવા ઉત્પાદનો એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હોવા છતાં ગ્રાહકોને ડિલિવર કરવામાં આવ્યા હતા.


સડેલા ઈંડા અને દૂષિત દૂધ: 
ગ્રાહકોને સડેલા, વાસી અને દુર્ગંધ મારતા ઈંડા તેમજ ખરાબ થઈ ગયેલું દૂધ મોકલવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ‘NOICE Eggs’ જેવા બ્રાન્ડ નેમથી ઈંડા વેચાતા હતા, જે સ્વિગીના વર્તમાન FSSAI લાયસન્સમાં મંજૂર જ નહોતા.


ખરાબ બેબી ફૂડ ન બદલ્યું: 
એક શિશુ આહાર (Infant Food) અત્યંત દૂષિત અને અસુરક્ષિત હાલતમાં મળ્યો હતો. ગ્રાહકે આ પ્રોડક્ટ પરત કરી હોવા છતાં, કંપનીએ એ જ ખરાબ પ્રોડક્ટ ગ્રાહકને ફરી મોકલી આપી હોવાનો આઘાતજનક ખુલાસો થયો છે.


ગેરકાયદે લાયસન્સ નંબરનો ઉપયોગ: 
કેટલાક કિસ્સામાં સ્વિગી પ્લેટફોર્મ પર ખોટા, અમાન્ય કે અસ્તિત્વમાં જ ન હોય તેવા FSSAI લાયસન્સ નંબરનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે.


​​​​​​​પૈસા પાછા આપીને કેસ રફાદફા કરવાનો પ્રયાસ
નોટિસમાં જણાવાયું છે કે ગ્રાહકો દ્વારા ખરાબ ખોરાકની ફરિયાદ કરવા છતાં સ્વિગી ઇન્સ્ટામાર્ટ દ્વારા કોઈ નક્કર સુધારાત્મક પગલાં લેવાયા નહોતા. કેટલાક કિસ્સામાં કંપનીએ માત્ર ગ્રાહકના પૈસા રિફંડ (પાછા) આપીને ફૂડ સેફ્ટી જેવા ગંભીર મુદ્દાને રફાદફા કરવાનો પ્રયાસ કર્યો હતો.

હવે FSSAI એ સ્વિગી ઇન્સ્ટામાર્ટ પાસે તેમના ક્વોલિટી ચેક, સ્ટોક મેનેજમેન્ટ, સાફ-સફાઈની વ્યવસ્થા અને ગ્રાહક ફરિયાદ નિવારણ પ્રણાલીનો સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે. આ નોટિસ બાદ ઓનલાઈન ગ્રોસરી અને ફૂડ ડિલિવરી કરતી કંપનીઓની નબળી ગુણવત્તા સામે ફરી એકવાર દેશભરમાં સવાલો ઉભા થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application