ક્રિકેટના કરોડો ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ટી-20 વર્લ્ડ કપનો મુકાબલો હવે નહીં રમાય. પાકિસ્તાન સરકારે રવિવારે મોટો નિર્ણય લેતા ભારત સામેની મેચનો બહિષ્કાર (Boycott) કરવાની જાહેરાત કરી છે. આગામી ૧૫ ફેબ્રુઆરીએ શ્રીલંકાના કોલંબોમાં આ હાઈ-વોલ્ટેજ મેચ રમાવાની હતી, પરંતુ પાકિસ્તાનના આ આકરા વલણથી આઈસીસી (ICC) અને ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે.
કેમ રદ થઈ મેચ?
આ વિવાદની પાછળનું મુખ્ય કારણ બાંગ્લાદેશની ટીમની ટુર્નામેન્ટમાંથી બાદબાકી છે. વાસ્તવમાં બાંગ્લાદેશ સરકારે ભારતમાં રમવા માટે સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી હતી, ત્યારબાદ આઈસીસી (ICC) એ બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં એન્ટ્રી આપી હતી. પાકિસ્તાન સરકાર આ નિર્ણયનો વિરોધ કરી રહી છે અને તેના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે જ તેમણે ભારત સામેની મેચ ન રમવાનું નક્કી કર્યું છે.
"ટુર્નામેન્ટ રમીશું, પણ ભારત સામે નહીં": પાકિસ્તાન સરકાર
પાકિસ્તાન સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક સત્તાવાર પોસ્ટ કરીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. સરકારના જણાવ્યા અનુસાર પાકિસ્તાની ટીમ ટી-20 વર્લ્ડ કપમાં ચોક્કસપણે ભાગ લેશે, પરંતુ ભારત સામેના મુકાબલામાં મેદાન પર ઉતરશે નહીં.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના વડા મોહસીન નકવીએ સોમવારે 26 જાન્યુઆરીના રોજ વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં પાકિસ્તાનની વર્લ્ડ કપમાં ભાગીદારી અને ભારત સામેની મેચ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નકવીએ કહ્યું હતું કે શુક્રવાર અથવા સોમવાર સુધીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. સરકારે આખરે રવિવારે નિર્ણય લીધો.