શુક્રવારે ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને પાકિસ્તાનની સેમીફાઈનલની આશા જીવંત રાખી છે. આ જીત સાથે પાકિસ્તાન હજુ પણ ટુર્નામેન્ટમાં ટકી રહ્યું છે, પરંતુ તેમનો આગળનો રસ્તો ઘણો કઠિન છે. બીજી તરફ સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડીઝને હરાવીને સેમીફાઈનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે, જેની સીધી અસર ભારત પર પડી છે.
પાકિસ્તાન માટે 'ચમત્કાર'ની જરૂર
પાકિસ્તાનને જો અંતિમ-4માં પહોંચવું હોય, તો તેમણે શ્રીલંકા સામે માત્ર જીતવું જ નહીં પણ જંગી અંતરથી જીતવું પડશે. સેમીફાઈનલની ટિકિટ મેળવવા માટે પાકિસ્તાન સામે બે વિકલ્પ છે:
બેટિંગમાં: શ્રીલંકાને ઓછામાં ઓછા 64 રનના અંતરથી હરાવવું પડશે.
ચેઝિંગમાં: શ્રીલંકાએ આપેલા લક્ષ્યાંકને માત્ર 13.1 ઓવરમાં હાંસલ કરવો પડશે.
ભારત vs વેસ્ટ ઇન્ડીઝ
સાઉથ આફ્રિકાની સતત બીજી જીત બાદ ગ્રુપ-1 માંથી તેઓ 4 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચી ગયા છે. હવે બીજા સ્થાન માટે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે સીધી ટક્કર છે. 1 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાનારી મેચ હવે 'ક્વાર્ટર ફાઈનલ' જેવી બની ગઈ છે. જે ટીમ આ મેચ જીતશે તે સીધી સેમીફાઈનલમાં પ્રવેશશે, જ્યારે હારનાર ટીમ માટે વર્લ્ડ કપનો સફર ત્યાં જ પૂરો થઈ જશે. હાલમાં બંને ટીમો પાસે 1-1 જીત અને 1-1 હાર છે.
સાઉથ આફ્રિકા ટોપ પર
ઝિમ્બાબ્વેની ટીમ તેની બીજી હાર સાથે હવે સેમીફાઈનલની રેસમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગઈ છે. 1 માર્ચે જ સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે પણ મુકાબલો થવાનો છે. જો આફ્રિકા જીતશે તો તે ગ્રુપમાં નંબર-1 પર ફિનિશ કરશે, પરંતુ જો ઝિમ્બાબ્વે ઉલટફેર કરે તો આફ્રિકા બીજા ક્રમે ખસી શકે છે.