BREAKING NEWS

T20 વર્લ્ડ કપ: ભારતની વિજયી કૂચ જારી, નામિબિયાને 93 રને કચડ્યું; ગ્રુપ-એમાં ટીમ ઈન્ડિયા ટોપ પર

  • February 12, 2026 11:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

T20 વર્લ્ડ કપની 18મી મેચમાં ભારતીય ટીમે સર્વાંગી પ્રદર્શન કરતા નામિબિયાને 93 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. આ જીત સાથે ભારતે ટુર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવી છે અને હવે તે ગ્રુપ-એના પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે. બેટિંગમાં ઈશાન અને પંડ્યાના પાવર બાદ બોલિંગમાં વરુણ ચક્રવર્તીની ફિરકીએ નામિબિયાના બેટ્સમેનોને ગોથે ચડાવ્યા હતા.


બેટિંગમાં ઈશાન-હાર્દિકનો દબદબો

ગુરુવારે રમાયેલી આ મેચમાં નામિબિયાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય બેટ્સમેનોએ આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. ઈશાન કિશને 61 રન અને હાર્દિક પંડ્યાએ 52 રનની આક્રમક અડધી સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ભારતનો સ્કોર એક સમયે ખૂબ મોટો જણાતો હતો, પરંતુ ઈનિંગના અંતમાં ભારે ડ્રામા જોવા મળ્યો હતો. ભારતે છેલ્લા 4 રન બનાવવામાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 209 રન બનાવી શકી હતી. નામિબિયાના કેપ્ટન જેરાર્ડ ઈરાસમસે ઘાતક બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી.


ભારતીય બોલરો સામે નામિબિયા નતમસ્તક

210 રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નામિબિયાની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. ભારતીય બોલરોએ શિસ્તબદ્ધ લાઈન અને લેન્થ સાથે બોલિંગ કરીને નામિબિયાને વેરવિખેર કરી નાખ્યું હતું. નામિબિયાની આખી ટીમ 18.2 ઓવરમાં માત્ર 116 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. વરુણ ચક્રવર્તીએ 3 મહત્વની વિકેટ ઝડપીને જીતના હીરો બન્યા.આ ઉપરાંત અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા બંનેએ 2-2 વિકેટ લઈને નામિબિયાની કમર તોડી નાખી. નામિબિયાની બેટિંગની વાત કરીએ તો લોરેન સ્ટેનકેમ્પે સૌથી વધુ 29 રન બનાવ્યા, પણ તે જીત માટે પૂરતા નહોતા.


પોઈન્ટ ટેબલમાં ભારત બાદશાહ
આ શાનદાર જીત બાદ ભારત હવે પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર છે. ભારતની રન રેટ પણ ઘણી સુધરી છે, જે સેમીફાઈનલની રેસમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. હાર્દિક પંડ્યાએ બેટિંગ અને બોલિંગ બંનેમાં કમાલ કરીને ઓલરાઉન્ડર તરીકે પોતાની ઉપયોગિતા ફરી એકવાર સાબિત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application