વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ તાજમહેલ સાથે જોડાયેલી એક ખાસ વસ્તુની હરાજી થવા જઈ રહી છે. ફૂલોની બોર્ડરવાળી આરસપહાણની ("તાજમહેલના સંગ મરમર") આ પટ્ટી આગામી મહિને બ્રિટનમાં હરાજીમાં મુકાશે. આ લંબચોરસ પટ્ટીના કિનારે ફૂલોની સુંદર કોતરણી કરવામાં આવી છે. તે વર્ષ 1816માં કર્નલ પાઉનોલ ફિપ્સે મેળવેલી બે પટ્ટીઓમાંથી એક છે. તે સમયે તેઓ આગરા અને આસપાસની ઈમારતોના સમારકામ કામના સુપરિન્ટેન્ડેન્ટ હતા.
24 લાખથી શરૂ થઈ શકે છે બોલી
આ પટ્ટી માટે 20,000 થી 30,000 પાઉન્ડ એટલે કે આશરે 24 થી 36 લાખ રૂપિયા સુધીની બોલી લાગે તેવી શક્યતા છે. 9 ડિસેમ્બરે 'લ્યોન એન્ડ ટર્નબુલ' ઓક્શન હાઉસની 'ઈસ્લામિક અને ભારતીય કલા' હરાજીમાં તેને રજૂ કરાશે. હરાજીના દસ્તાવેજો મુજબ, આ પટ્ટી સાથે તાજમહેલનો જૂનો બ્લેક-એન્ડ-વ્હાઈટ ફોટો અને બે પત્રો પણ છે. તેમાંથી એક પત્ર કર્નલના પૌત્રએ છપાવ્યો હતો અને બીજો પત્ર 'માર્ક્વિસ ઓફ બાથ'ના હાથથી લખાયેલો છે.
તહખાનામાંથી મળી હતી પટ્ટી
કર્નલના પુત્રના સંસ્મરણો મુજબ, તેમના પિતાને આ પટ્ટીઓ તાજમહેલના એક ભોંયરામાંથી મળી હતી. તેમને લાગ્યું હતું કે તે ઐતિહાસિક ઈમારતના સમારકામ માટે રખાઈ હશે.
સૈન્ય પરિવાર અને તાજમહેલની જાળવણી
કર્નલ પાઉનોલ ફિપ્સનો જન્મ 1780માં ઈંગ્લેન્ડના ડેવોનમાં થયો હતો. 1799માં તેઓ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની બંગાળ સેનામાં જોડાયા હતા. ઈજિપ્તથી પરત ફર્યા બાદ તેમને તાજમહેલ સહિતની ઈમારતોની દેખરેખની જવાબદારી મળી હતી.
હરાજીકર્તાઓના નોંધ મુજબ તેઓ આ કામ ગંભીરતાથી કરતા હતા. સ્મારકમાંથી યાદગીરી રૂપે પથ્થરો લઈ જતા લોકોને તેઓ અટકાવતા હતા. તેમના પુત્રએ લખ્યું છે કે એક અંગ્રેજ મહિલા કાંટા વડે આરસપહાણમાંથી કિંમતી પથ્થરો કાઢવાની જીદ કરી રહી હતી.
ભારતીય કલા પ્રત્યે લગાવ 1823માં તેઓ પરિવાર સાથે બ્રિટન ગયા અને 1858માં તેમનું અવસાન થયું. આ પટ્ટી 200 વર્ષથી વધુ સમય સુધી તેમના પરિવાર પાસે રહી. તેની ફૂલોની ડિઝાઈન શાહજહાંની કબરના ઉપરના ભાગની કોતરણી પર આધારિત છે, જે 1666માં કરાઈ હતી.