BREAKING NEWS

તમિલનાડુના સીએમ વિજયની ‘જન નાયકન’ ૧૯ જૂને રિલીઝ થશે

  • May 25, 2026 08:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા બાદ હવે થલાપતિ વિજય મોટા પડદા પર ધમાકેદાર વાપસી કરવા તૈયાર દેખાઈ રહ્યા છે. તેમની બહુ રાહ જોવાતી ફિલ્મ ‘જન નાયકન’ને લઈને લાંબા સમયથી ચાલી રહેલી આતુરતાનો હવે અંત આવતો જોવા મળી રહ્યો છે. ફેન્સ પણ નિર્માતાઓની મોટી જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે ફિલ્મની રિલીઝ તારીખને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.
તમિલનાડુના મુખ્યમંત્રી અને સુપરસ્ટાર અભિનેતા થલાપતિ વિજયના ચાહકો માટે ખુશખબર છે. તેમની ફિલ્મ ‘જન નાયકન’ની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મને લઈને અનેક વખત અલગ અલગ અહેવાલો સામે આવ્યા હતા, પરંતુ અત્યઆર સુધી રિલીઝ તારીખ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નહોતી. હવે નવા અપડેટે ચાહકોનો ઉત્સાહ વધુ વધારી દીધો છે. 
અહેવાલો અનુસાર ટિકિટિંગ મંચ ‘ડિસ્ટ્રિક્ટ’ના કેલેન્ડરમાં ‘જન નાયકન’ની રિલીઝ ૧૯ જૂન દર્શાવવામાં આવી છે. જ્યારે ‘બુક માય શો’ પર પણ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થતી દેખાઈ રહી છે. આ અપડેટ બાદ ચાહકોમાં આશા જાગી છે કે હવે ફિલ્મની રાહ વધુ લાંબી નહીં રહે. ફિલ્મની રિલીઝમાં સૌથી મોટું કારણ સેન્સર પ્રમાણપત્ર માનવામાં આવી રહ્યું છે. નિર્માતાઓ હાલમાં કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મને પ્રમાણપત્ર મળ્યા બાદ જ રિલીઝ તારીખ જાહેર કરવામાં આવશે.તાજેતરમાં ફિલ્મના નિર્માતા વેંકટ કે. નારાયણન એક મંદિર પહોંચ્યા હતા. ત્યાં પત્રકારોએ તેમને ‘જન નાયકન’ અંગે પ્રશ્નો પૂછ્યા હતા. શ‚આતમાં તેમણે વધુ વાત નહોતી કરી, પરંતુ પછી તેમણે જણાવ્યું કે ફિલ્મનું સેન્સર પ્રમાણપત્ર હજુ મળવાનું બાકી છે અને સમગ્ર ટીમ તેની રાહ જોઈ રહી છે. તેમણે કહ્યું કે પ્રમાણપત્ર મળતા જ રિલીઝ તારીખની જાહેરાત કરવામાં આવશે. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ફિલ્મને વિશ્વભરમાં મોટા સ્તરે રજૂ કરવામાં આવશે. ‘જન નાયકન’માં વિજય સાથે અનેક જાણીતા કલાકારો જોવા મળશે. તેમાં પૂજા હેગડે, બોબી દેઓલ, મમિતા બૈજુ, પ્રકાશ રાજ, નારાયણ અને પ્રિયમણિ જેવા કલાકારો સામેલ છે. ફિલ્મનું સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે, જેમના ગીતો પહેલાથી જ ચાહકોમાં ખૂબ લોકપ્રિય રહ્યા છે. એચ. વિનોદના દિગ્દર્શનમાં બનેલી ‘જન નાયકન’ એક રાજકીય અને એક્શન આધારિત ફિલ્મ હોવાનું કહેવાઈ રહ્યું છે. ફિલ્મની વાર્તા એવા સામાન્ય માણસની છે, જે ખોટી બાબતો સામે અવાજ ઉઠાવે છે અને ધીમે ધીમે લોકોનો નેતા બની જાય છે. ફિલ્મમાં જબરદસ્ત એક્શન સાથે ભાવનાઓ અને રાજકારણનો મિશ્રણ પણ જોવા મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application