ટેરિફના કારણે અમેરિકાનો વિકાસ દર ઘટીને 1.6 ટકા થઇ જશે : OECD

  • June 04, 2025 09:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વૃદ્ધિને કારણે વધતી વેપાર તંગદિલી વચ્ચે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલોપમેન્ડ (ઓઇસીડી)એ મંગળવારે અંદાજ મૂક્યો છે કે ૨૦૨૫માં અમેરિકાનો વિકાસ દર ઘટીને ૧.૬ ટકા થઇ જશે જે ગયા વર્ષે ૨.૮ ટકા હતો.


ઓઇસીડીએ વધુમાં જણાવ્યું છે કે ૨૦૨૬માં અમેરિકાનો વિકાસ દર વધુ ઘટીને ૧.૫ ટકા થવાનો અંદાજ છે. ઓઇસીડીએ પોતાના 'ઇકોનોમિક આઉટલુક ૨૦૨૫'માં જણાવ્યું છે કે મંદીનું કારણ ટેરિફ દરોમાં વૃદ્ધિ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રમ્પની નીતિઓને કારણે સરેરાશ અમેરિકન ટેરિફ દરો ૨.૫ ટકાથી વધીને ૧૫.૪ ટકા થઇ ગયો છે. જે ૧૯૩૮ પછી સૌથી વધારે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓને કારણે વિશ્વમાં વેપાર યુદ્વ વકરવાની અસરને ધ્યાનમાં લઈ ઓઈસીડીએ વિશ્વની આર્થિક-જીડીપી વૃદ્વિમાં ઘટાડો થવાની પણ આગાહી કરી છે.


પેરિસ સ્થિત ઓઈસીડીએ ચેતવણી આપતા જણાવ્યું છે કે, ખાસ નવા ટેરિફ સહિતના પગલાંને લઈ વિશ્વના અર્થતંત્રમાં વૃદ્વિ નોંધનીય મંદ પડશે અને અમેરિકા-યુ.એસ.એ. પર સૌથી માઠી અસર પડવાની પણ શકયતા બતાવી છે. ઓઈસીડી દ્વારા વિશ્વના આર્થિક વૃદ્વિનો અંદાજ વર્ષ ૨૦૨૪માં ૩.૩ ટકા મૂકાયો હતો. જે હવે બન્ને વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬માં માત્ર ૨.૯ ટકા રહેવાની આગાહી કરવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે, ઓઈસીડી દ્વારા અગાઉ માર્ચમાં વૈશ્વિક આર્થિક વૃદ્વિનો અંદાજ ૩.૧ ટકા અને વર્ષ ૨૦૨૬ માટે ૩.૦ ટકા મૂકાયો હતો. આ પાછલી આગાહી બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા અનેક ટેરિફ વિશ્વ પર લાદીને વૈશ્વિક નાણા બજારોમાં ડામાડોળ સ્થિતિ સજીૅ છે. ઓઈસીડીના મતે વૈશ્વિક આઉટલૂક વધુને વધુ પડકારરૂપ બની રહ્યું છે. વેપાર અડચણોમાં નોંધનીય વધારો થયો છે, નાણા સ્થિતિ મુશ્કેલ બની રહી છે. બિઝનેસ અને ગ્રાહક વિશ્વાસ ઘટયો છે અને નીતિઓની અસાધારણ અનિશ્ચિતતાની સ્થિતિ ઊભી થઈ હોઈ તેની નેગેટીવ અસરો અપેક્ષિત છે. ઓઈસીડીની મીનીસ્ટરીયલ મીટિંગ પેરિસમાં યોજાઈ છે. જેમાં અમેરિકા અને યુરોપીય યુનિયનના અધિકારીઓ મળવાની શકયતા છે. યુરોપીય યુનિયનથી ચીજોની આયાત પર ૫૦ ટકા ટેરિફની ચીમકી ટ્રમ્પે આપ્યા બાદ આ ડેવલપમેન્ટ મહત્વનું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application