BREAKING NEWS

૭ વખત વેરા બિલની બજવણી, હવે દિવાળી પછી સિલીંગ ડ્રાઇવ

  • October 08, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાનગરપાલિકાના મિલકત વેરાની આવકના લક્ષ્યાંકની રકમ કરતા બાકી લેણાનો આંક વધુ મોટો છે. દરમિયાન આ વર્ષે મનપાની ટેક્સ બ્રાન્ચએ બાકીદારોને ઓક્ટોબર માસના પ્રારંભથી જ વેરા બિલની બજવણી શરૂ કરી છે જેમાં સૌ પ્રથમ સ્પીડ પોસ્ટથી બિલ મોકલ્યા બાદ ત્રણ વખત એસએમએસ અને ત્યારબાદ ત્રણ વખત વ્હોટ્સ એપ અને ઇમેઇલ, આ મુજબ કુલ સાત વખત વેરા બિલની બજવણી કર્યા બાદ દિવાળીના તહેવારો બાદ લાભ પાંચમ પછીથી તુરંત મેગા સિલીંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

ટેક્સ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનાના અંતે રૂ.૧૦ હજારથી વધુ રકમનો વેરો બાકી હોય તેવા ૧.૫૦ લાખ બાકીદારોને વેરા બિલ સ્પીડ પોસ્ટથી રવાના કરાયા હતા જેની બજવણી ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં કરાઇ હતી, ત્યારબાદ અન્ય તમામ મિલકતધારકોને રૂટિન પોસ્ટથી બિલની બજવણી કરાઇ હતી. બિલની બજવણી થયા બાદ બાકીદારોના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર ૩ વખત એસએમએસથી અને ત્રણ વખત વ્હોટ્સ એપથી વેરા બિલની બજવણી કરાઇ હતી. આ મુજબ કુલ સાત વખત બિલ બજવણી કમ આઉટ સ્ટેન્ડિંગ અંગે રિમાઇન્ડર આપવામાં આવ્યા બાદ હવે દિવાળીના તહેવારો પછી કોઈ પણ ચમરબંધીની શેહ શરમ કે ભલામણ રાખ્યા વિના મેગા સિલીંગ ડ્રાઇવ શરૂ થશે. અલબત્ત હાલમાં પણ એકલ દોકલ મિલકતો સીલ કરવાનું ચાલું જ છે.


સ્પીડ પોસ્ટથી મોકલેલા અનેક બિલ રિટર્ન

ટેક્સ બ્રાન્ચે સ્પીડ પોસ્ટથી મોકલેલા કુલ ૧.૫૦ વેરા બિલમાંથી લગભગ ૫૦ હજાર જેટલા વેરા બિલ રિટર્ન થયા છે. અમુક બિલ કોઈએ નહીં સ્વીકારવાને કારણે તો અમુક બિલ મિલકતધારક સ્થળાંતર કરી ગયા હોવાને કારણે રિટર્ન થયા છે. જ્યાંથી બિલ રિટર્ન થયા છે તેવા સ્થળે તપાસ માટે વોર્ડ ઇન્સ્પેકટરની ટીમને મોકલવામાં આવી રહી છે.


ટેક્સ બ્રાન્ચમાં ઇમેઇલ, મો.નં.અપડેટ કરાવો

રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા શહેરના તમામ બાકીદારો તેમજ મિલકતધારકોને હાલ સુધીમાં સાત વખત વેરા બિલની બજવણી કરવામાં આવ્યાનું જાહેર કરાયું છે, આમ છતાં જો કોઈને વેરા બિલ મળ્યું ન હોય તો તેમણે ટેક્સ બ્રાન્ચમાં ઇમેઇલ અને મોબાઇલ નંબર અપડેટ કરાવવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application