BREAKING NEWS

શિક્ષકોને બિન-શૈક્ષણિક ફરજોમાંથી મળશે મુક્તિ

  • February 20, 2026 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

2026-27ના શૈક્ષણિક વર્ષથી અમલ: શિક્ષકો પર વધતા બિન-અભ્યાસક્રમ સંબંધિત કામના બોજાને કારણે શિક્ષણની ગુણવત્તા બગડતી હોવાના કારણે લેવાયો નિર્ણય






રાજ્ય સરકાર 2026-27ના શૈક્ષણિક વર્ષથી શાળા શિક્ષકોને વહીવટી અને બિન-શૈક્ષણિક ફરજોમાંથી તબક્કાવાર મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, શિક્ષકો પર વધતા બિન-અભ્યાસક્રમ સંબંધિત કામના બોજાને કારણે વર્ગખંડમાં ભણતર સમય ઘટી રહ્યો હતો અને તેની સીધી અસર શિક્ષણની ગુણવત્તા પર પડી રહી હતી.


શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકો માટે દર વર્ષે 800 અને માધ્યમિક શિક્ષકો માટે 1,000 ફરજિયાત શિક્ષણ કલાકો નિર્ધારિત કરવાની યોજના બનાવી છે. આ માટે પ્રથમ વખત ‘એકેડેમિક ઓડિટ’ અમલમાં મૂકવામાં આવશે, જેથી વાસ્તવિક ભણતર સમયનું મોનીટરીંગ થઈ શકે અને જવાબદારી નક્કી થાય.


વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રાજ્યભરમાં 123 જેટલા બિન-શૈક્ષણિક કામોમાં શિક્ષકો જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. સરકારનો ઉદ્દેશ શક્ય તેટલી વહેલી તકે શિક્ષકોને આવા કામોમાંથી મુક્ત કરવાનો છે. ગેપ-એનલિસિસ દ્વારા કયા વિભાગોમાંથી માનવ સંસાધન મેળવી શકાય તેની પણ સમીક્ષા ચાલી રહી છે.


શિક્ષક સંગઠનોના જણાવ્યા મુજબ, વર્ષ દરમિયાન 100થી વધુ દિવસ બિન-શૈક્ષણિક ફરજોમાં વેડફાય છે. અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે 56 પ્રકારની ફરજો નોંધેલી છે, જેમાં રસીકરણ સર્વે, મતદાર યાદી સુધારણા, ગ્રામસભા કામ, આધાર નોંધણી, સ્વચ્છતા અભિયાન અને પોષણ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. અંદાજે 110 શૈક્ષણિક દિવસો આ કામોમાં જતાં હોવાને કારણે એક સેમેસ્ટર જેટલો સમય ભણતરથી દૂર રહેવું પડે છે.


તાજેતરમાં શિક્ષકોને ભટકતા કૂતરાઓની ગણતરી માટે મોકલવાના આદેશથી મુદ્દો વધુ ઉગ્ર બન્યો હતો. 2025માં મતદાર યાદીની વિશેષ સુધારણા પ્રક્રિયા દરમિયાન બૂથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ચાર શિક્ષકોના હાર્ટ એટેકથી મોત થયા હતા. કેટલાક શિક્ષકો સામે વહીવટી વિલંબ બદલ કાર્યવાહી પણ થઈ હતી.


શિક્ષક સંસ્થાઓએ મુખ્ય સચિવ અને શિક્ષણ મંત્રી સમક્ષ અનેક રજૂઆતો કરી છે. તેઓનું કહેવું છે કે રાઈટ તો એજ્યુકેશનની કલમ 27 મુજબ શિક્ષકોને જનગણના, આપત્તિ રાહત અને ચૂંટણી સિવાય અન્ય બિન-શૈક્ષણિક ફરજો સોંપવી મનાઈ છે, છતાં વર્ષોથી વિવિધ કામો સોંપાતા આવ્યા છે.


સરકારના નવા નિર્ણયથી શિક્ષકોમાં આશા છે કે હવે તેઓ મુખ્યત્વે ભણતર પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને રાજ્યમાં શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application