મેટોડામાં રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટીની ટીમે દરોડા પાડી અહીં અલગ અલગ ત્રણ જગ્યાએથી બાળ મજુરોને મુકત કરાવી તેમની પાસે મજુરી કરાવનાર સામે ચાઇલ્ડ લેબરના કાયદા હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો હતો. મેટોડા આવેલા અનીલ સમોસા, અનિલ ચાઇનીઝ અને ગુજરાત ટી સ્ટોલમાંથી બાળ મુજરોને મુકત કરાવ્યા હતાં. જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ એસ.પી. વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ચા- નાસતાની દુકાન તથા ઔદ્યોગિક એકમોમાં બાળકો પાસે મજૂરી કરાવતી હોય તે શોધી કાઢી બાળકોને મુકત કરાવવા સૂચના આપવામાં આવી છે. જેને લઇ રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટના પીઆઇ એન.એ.શુકલની રાહબરીમાં ટીમ તપાસમાં હતી. એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટની ટીમે મેટોડા જીઆઇડીસીમાં તપાસ કરતા અહીં જીઆઇડીસી ગેટ નં.૧ મેટોડા પ્લાઝા પાસે આવેલી ગુજરાત ટી સ્ટોલ નામની દુકાનમાં બાળક પાસે ચા બનાવવાની મજૂરી કરાવામાં આવતી હોવાનુ ધ્યાને આવ્યું હતું જેથી બાળકને અહીં મુકત કરાવી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી ટી સ્ટોલના સંચાલક જયદપસિંહ ઘોઘુભા રાઠોડ સામે કોન્સ. દિલીપસિંહ જાડેજાની ફરિયાદ પરથી ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જયારે અન્ય કામગીરીમાં મેટોડા જીઆઇડીસી ગેટ નં.૧ અનિલ ચાઇનીઝ નામની દુકાનમાં તપાસમાં કરતા અહીં પણ બાળક પાસે ચુલા પર મુકેલ અલગ અલગ વાનગીઓ બનાવતી વખતે તાવડાઓ વાનગી તળવાનું તથા ચુલામાં કોલસા ભરાવાનું તથા સાફ સફાઇ તથા શાકભાજી કટિંગનું કામ કરાવાતુ હોય જેથી આ મામલે સંચાલક સત્યમેવ રાજેન્દ્ર સોની અને સત્યધારી રાજેન્દ્ર સોની સામે પીઆઇ એન.એ.શુકલની ફરિયાદ પરથી ગુનો નોંધાવામાં આવ્યો હતો.અહીં જ આવેલા અનિલ સમોસા સેન્ટરમાં તપાસ કરતા અહીં પણ બાળક પાસે ચુલા પર મુકેલ તાવડાઓમાં સમોસા તળતી વખતે તેમજ ચુલામાં કોલસા ભરવાનું તેમજ સાફ સફાઇ તથા શાકભાજી બટાકા કટિંગનું કામ બાળક પાસે કરાવાતુ હોય જેથી અહીંથી બાળ મજુરને મુકત કરાવ બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો હતો. બાદમાં આ અંગે પીઆઇ એન.એ.શુકલની ફરિયાદ પરથી સંચાલક રાજેન્દ્ર સુખુ સોની સામે ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એકટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.