BREAKING NEWS

ઈરાનમાં પગ મૂકશો તો પગ કાપી નાખીશું અમેરિકી સૈનિકોને તેહરાનની ખુલ્લી ધમકી

  • August 10, 2026 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ તથા હોર્મુઝ જળમાર્ગ ફરી ખોલવાના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે ઈરાને અમેરિકાને અત્યંત આક્રમક ભાષામાં ચેતવણી આપી છે. ઈરાનની ભૂમિસેનાના કમાન્ડર બ્રિગેડિયર જનરલ અલી જહાંશાહીએ કહ્યું છે કે કોઈ અમેરિકી સૈનિક ઈરાનની ધરતી પર પગ મૂકશે તો તેના પગ કાપી નાખવામાં આવશે. ઈરાનની સરહદમાં અમેરિકી સૈનિકોના સંભવિત પ્રવેશને કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરવામાં આવે અને તેનો તાત્કાલિક તથા નિર્ણાયક જવાબ અપાશે તેવી ચેતવણી પણ તેમણે આપી હતી. અમેરિકા ઈરાન સામે ફરી મોટું લશ્કરી ઓપરેશન હાથ ધરી શકે તેવી અટકળો વચ્ચે જહાંશાહીનું નિવેદન આવ્યું છે. ઈરાનના સરકારી મીડિયાના જણાવ્યા પ્રમાણે જહાંશાહીએ સરહદી વિસ્તારમાં તહેનાત સૈનિકોની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ઈરાનની ભૂમિસેના સંપૂર્ણ યુદ્ધસજ્જ છે અને સરહદ આસપાસ થતી દરેક હિલચાલ પર સતત નજર રાખી રહી છે. જહાંશાહીએ કહ્યું કે દુશ્મન તરફથી થતી કોઈ પણ કાર્યવાહીને ઈરાન મજબૂત અને અવરોધક જવાબ આપશે. ઈરાની દળો દેશની સરહદોનું રક્ષણ કરવા માટે દરેક સમયે તૈયાર છે. તેમની આ ચેતવણીને અમેરિકા દ્વારા ઈરાનમાં ભૂમિદળ ઉતારવાની કોઈ પણ સંભવિત યોજના સામેનો સીધો સંદેશ માનવામાં આવી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો લશ્કરી સંઘર્ષ અટકાવવા માટે પડદા પાછળ રાજદ્વારી પ્રયાસો ચાલુ છે, પરંતુ તેહરાને સ્પષ્ટ કર્યું છે કે અત્યારે અમેરિકા સાથે કોઈ સીધી મંત્રણા થઈ રહી નથી. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે બંને દેશ વચ્ચે મધ્યસ્થીઓ મારફત સંદેશાની આપ-લે ચાલી રહી છે, પરંતુ તેને ઔપચારિક મંત્રણા કહી શકાય નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application