BREAKING NEWS

નકલી કોલ્સ અને સ્પેમથી મળશે મુક્તિ: 1 નવેમ્બરથી બદલાશે ટેલિકોમ નિયમો, સ્ક્રીન પર દેખાશે કોલ કરનારનું નામ

  • October 16, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં સતત વધી રહેલા નકલી કોલ્સ, સ્પેમ કોલ્સ અને સાયબર છેતરપિંડીની સમસ્યાથી આમ નાગરિકોને કાયમી મુક્તિ અપાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ખાસ યોજના તૈયાર કરી લેવામાં આવી છે. આગામી 1 નવેમ્બર 2026 થી ટેલિકોમ ક્ષેત્રે એક મોટો અને ક્રાંતિકારી ફેરફાર થવા જઈ રહ્યો છે, જેના અંતર્ગત હવે જ્યારે પણ તમારા મોબાઈલ ફોન પર કોઈ અજાણ્યા નંબરથી કોલ આવશે, ત્યારે સ્ક્રીન પર માત્ર નંબર નહીં પરંતુ તે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિનું સાચું નામ પણ સ્પષ્ટપણે જોવા મળશે. સરકારના આ કડક પગલાથી નકલી કોલર્સ અને છેતરપિંડી કરનારાઓની ઓળખ કરવી અત્યંત સરળ બની જશે.

દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા દેશભરના તમામ ટેલિકોમ ઓપરેટર્સને સત્તાવાર નિર્દેશ જારી કરવામાં આવ્યા છે કે તેઓ આગામી 1 નવેમ્બર 2026 થી આ નવી સેવા ફરજિયાતપણે શરૂ કરે. ખાસ વાત એ છે કે મોબાઈલ યુઝર્સે આ સેવાને શરૂ કરવા માટે કોઈ અલગથી સેટિંગ કે પ્રક્રિયા કરવાની જરૂર નહીં પડે, તે સીધી રીતે જ કામ કરશે. આ નવા નિયમ અંતર્ગત તમામ 4જી અને 5જી નેટવર્ક પર 'કોલિંગ નેમ પ્રેઝન્ટેશન' (CNAP) સુવિધા હેઠળ કોલ કરનારનું નામ સ્ક્રીન પર દેખાવાનું ફરજિયાત બની જશે.


​​​​​​​જો ફોન કરનારનો નંબર તમારી કોન્ટેક્ટ યાદીમાં સેવ હશે તો તે નામ દેખાશે, અને જો સેવ નહીં હોય તો સિમ કાર્ડ નોંધણી વખતે જે નામ આપવામાં આવ્યું હતું તે સત્તાવાર નામ સ્ક્રીન પર દેખાશે. જો કે, આંતરરાષ્ટ્રીય (વિદેશી) નંબરોથી કોલ આવવા પર માત્ર 'ઇન્ટરનેશનલ કોલ' એવું લખેલું નજરે પડશે અને કોઈ વ્યક્તિગત નામ દેખાશે નહીં. આ સિસ્ટમ દરેક ટેલિકોમ કંપનીના યુઝર્સના ડેટાબેઝના આધારે કામ કરશે. ડેટા ગોપનીયતાનું સંપૂર્ણ ધ્યાન રાખીને કોલ પૂરો થતાની સાથે જ નામ સિસ્ટમમાંથી દૂર થઈ જશે. જે નાગરિકોએ પ્રાઈવેસી માટે સીએલઆઈઆર (CLIR) સેવા લીધી હશે તેમનું નામ નહીં દેખાય. વ્યાપારિક જોડાણો માટે ચકાસણી બાદ ટ્રેડમાર્ક નામ બતાવવાની છૂટ રહેશે. આ પગલાથી અન્ય કોઈ થર્ડ પાર્ટી એપ્સ પરની નિર્ભરતા પણ ઘટશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application