ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડીને 20 ડિગ્રી હેઠળ આવી ગયું છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી 10.4 ડિગ્રી નોંધાઈ છે. જ્યારે રાજકોટમાં 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજકોટમાં 13.9 ડિગ્રી, ડીસામાં 14.3 ડિગ્રી, અમદાવાદમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં 15.8 ડિગ્રી, ભુજમાં 16.4 ડિગ્રી, ગાંધીનગરમાં 16.2 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી, કંડલામાં 17 ડિગ્રી, ભાવનગરમાં 17.8 ડિગ્રી સુરતમાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અમદાવાદ સહિત રાજ્યમાં હાલ પૂર્વના તેજ પવન જમીન પર નીચલા સ્તરે ફુંકાઈ રહ્યા છે. તેની સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. આ પરિસ્થિતિમાં હજુ આગામી 24 કલાક સુધી તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેશે જેથી રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવાશે.
ઠંડીનો ચમકારો વહેતા વહેલી સવાર ગાર્ડનમાં પણ લોકોની સંખ્યા વધી ગઈ છે. ઠંડીથી બચવા માટે વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો ગાર્ડનમાં ચાલતા અને કસરત કરતા જોવા મળી રહ્યા હતા. જો કે આગામી સમયમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.