માવઠાના એકધારા વરસાદના કારણે ગરમી ગાયબ થઈ ગઈ છે. છેલ્લા ચાર દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 12 ડિગ્રી જેટલો નીચે ઉતરી ગયો છે. થોડા દિવસો પહેલા મહત્તમ તાપમાન અનેક શહેરોમાં 37 ડિગ્રી આસપાસ પહોંચી ગયું હતું પરંતુ સોમવારે સુરતને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી થી નીચે રહેવા પામ્યું છે. સુરતમાં ગઈકાલે મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી નોંધાયું હતુ.
રાજ્યના અન્ય શહેરોના ગઈકાલના મહત્તમ તાપમાન ની વાત કરીએ તો રાજકોટમાં 25 અમરેલીમાં 27.3 ભાવનગરમાં 28.9 ભુજમાં 25.4 દ્વારકામાં 26.2 કંડલામાં 25 નલિયામાં 29.4 અને ઓખામાં 26.8 ડિગ્રી નોંધાયો હતો. આ સમયગાળામાં મહત્તમ તાપમાનનો પારો જે હોવો જોઈએ તેના કરતાં રાજકોટમાં 10.7 અમરેલીમાં 7.9 ભાવનગરમાં 5.6 ભુજમાં 10.4 દ્વારકામાં 6.9 કંડલામાં 9.9 નલિયામાં છ અને ઓખામાં 4.5 ડિગ્રી ઓછું છે.
અનેક શહેરોમાં એવી સ્થિતિ છે કે લઘુતમ અને મહત્તમ તાપમાન વચ્ચે માત્ર બે ચાર ડિગ્રીનો જ તફાવત છે. રાજકોટમાં આજે સવારે લઘુતમ તાપમાન 21.3 ડિગ્રી નોંધાયું છે. અમરેલીમાં 20.8 ભાવનગરમાં 24 ભુજમાં 22.1 દ્વારકામાં 24.2 કંડલામાં 23.3 નલિયામાં 23.6 અને ઓખામાં 23.9 ડિગ્રી આજનું લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ મોટાભાગના શહેરોમાં 90 થી 98% આસપાસ રહેવા પામ્યું છે, પ્રતિ કલાકના 10 થી 15 કીલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે. ભેજવાળા પવનોના કારણે વાતાવરણમાં ટાઢોળું છવાયું છે.