પોરબંદરના દસ વર્ષના બાળકે ૭૯ મિનિટ સુધી નોનસ્ટોપ કર્યુ સ્કેટીંગ
પોરબંદરના દસ વર્ષના બાળકે ૭૯ મિનિટ સુધી નોનસ્ટોપ કર્યુ સ્કેટીંગ
November 21, 2025 02:38 PM
પોરબંદરની રમણીય ચોપાટી પર આવેલ સ્કેટીંગ રીંગમાં તાલીમ મેળવીને દસ વર્ષના બાળકે પોરબંદરમાં ૭૯ મિનિટ સુધી નોનસ્ટોપ સ્કેટીંગ કર્યુ હતુ. તેના ગૃપના સૌથી નાના આ બાળકની મોટેરી સિધ્ધિને બિરદાવવામાં આવી છે. પોરબંદરના મહેર અગ્રણી ગાંગાભાઇ ઓડેદરાના દસ વર્ષના પુત્ર હર્મન ઓડેદરા કે જે હાલ પાંચમા ધોરણમાં જે.વી.જેમ્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સ્કેટીંગ કોચ તુર્ક પઠાણ શબાના જાવિદખાનના માર્ગદર્શન હેઠળ જે.કે. સ્કેટીંગ એકેડેમી ખાતે છેલ્લા ત્રણ વર્ષથી તાલીમ મેળવી રહ્યો છે. આ હર્મન ઓડેદરાએ પોરબંદરની ચોપાટી ખાતે સ્કેટીંગ રીંગ પર યોજવામાં આવેલ નોનસ્ટોપ સ્કેટીંગ મેરાથોનમાં ૭૯ મિનિટ સુધી સ્કેટીંગ કર્યુ હતુ. ભારતના ૨૨ શહેરોના ૫૭૨ ખેલાડીઓએ આ વર્લ્ડ રેકોર્ડ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં તેમના ગૃપના સૌથી નાની વયના હર્મન ઓડેદરાએ પણ સ્કેટીંગ સફળતાપૂર્વક સંપન્ન કરીને વર્લ્ડ રેકોર્ડ બુકનું સર્ટીફિકેટ ઓફ એકસેલન્સ, જીનીયસ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને યુ.એન. બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન મેળવ્યુ હતુ. તેથી હર્મન ગાંગાભાઇ ઓડેદરાની આ સિધ્ધિ બદલ તેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે અને સ્કેટીંગ ક્ષેત્રે વધુ સિધ્ધિઓ પ્રાપ્ત કરે તથા પોરબંદરનું નામ રોશન કરે તેવી શુભકામના અપાઇ છે.