BREAKING NEWS

રિંગ રોડ-૨ ફોરટ્રેકના ફેઇઝ-૫નું ટેન્ડર પ્રસિધ્ધ

  • October 18, 2025 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એરિયામાં આવેલા રિંગ રોડ-૨નું જામનગર રોડથી ગોંડલ રોડ અને ગોંડલ રોડથી ભાવનગર રોડ તથા ભાવનગર રોડથી અમદાવાદ રોડનું ચોથા ફેઇઝનું કામ હાલ ચાલુ છે અને ફેઇઝ-૫ના કામે ટેન્ડર પ્રસિધ્ધ કરાયું છે. જેમાં મોરબી રોડથી અમદાવાદ રોડ અને ગોંડલ રોડથી ભાવનગર રોડના કામ તેમજ રૂડા એરીયામા એક બ્રિજ સહિત રૂા.૧૪૭.૮૧ કરોડના ખર્ચે રિંગ રોડ પૂર્ણ થશે.

શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે રૂડા અને મનપા દ્વારા રિંગ રોડ-૨ ફોર ટ્રેક બનાવવાનું કામ શરૂ કરાયુ છે. જામનગર રોડથી ગોંડલ રોડ અને ગોંડલ રોડથી ભાવનગર રોડ તેમજ ભાવનગરથી અમદાવાદ રોડ સુધીનું ચોથા ફેઇઝનું કામ હાલમાં પૂર્ણ થવામાં છે. તેમજ ત્રણ બ્રિજનું કામ પણ પૂર્ણ થયુ છે. હવે રિંગ રોડ પૂર્ણ કરવા અમદાવાદથી મોરબી રોડને જોડતા ફેઇઝ-૫ના કામને આગળ ધપાવવા રૂડા દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઇ છે. જે અંતર્ગત મોરબી રોડથી અમદાવાદ રોડ રૂડા એરીયામાં રૂા.૯૮.૪૩ કરોડના ખર્ચે ફોર ટ્રેક તથા વચ્ચે આવતા વિસ્તારમાં રૂા.૩૬.૮૯ કરોડના ખર્ચે એક બ્રિજ બનાવવાનો અને ફેઇઝ-૩માં બાકી રહી ગયેલા ગોંડલ રોડથી ભાવનગર રોડને જોડતા ફોર ટ્રેકનું કામ ખર્ચે રૂા.૧૨.૪૯ કરોડના કરવામાં આવશે. ત્રણેય ટેન્ડર પ્રસિધ્ધ થતા ટૂંક સમયમાં બાકી રહેલ ફોર ટ્રેકનું કામ શરૂ થશે.

રૂડા દ્વારા રિંગ રોડ-૨ બનાવવા માટે ત્રણ વર્ષ પહેલા જમીન સંપાદન સહિતની કામગીરી પૂર્ણ કરાઇ હતી. ત્યારબાદ જામનગર રોડથી ગોંડલને જોડતા સિંગલ પટ્ટીના રોડનુ કામ શરૂ કરવામાં આવેલ તેવી જ રીતે અટલ સરોવર વિસ્તારમાં જામનગર રોડથી કાલાવડ રોડ સુધીના રોડ પર બીઆરટીએસ કોરીડોર તૈયાર કરવામાં આવ્યો છે અને બાકી રહેલા ફોરટ્રેકનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. જામનગર રોડથી અમદાવાદ રોડ સુધીનુ કામ મોટેભાગે પૂર્ણ થઇ ગયુ છે. પરંતુ અમદાવાદ રોડથી મોરબી રોડ અને મોરબી રોડથી જામનગર રોડને જોડતા રિંગ રોડ-૨નું કામ ૮૦ ટકા બાકી હોય રૂડા દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. જેના લીધે હવે ફેઇઝ-૫નું કામ ઝડપથી શરૂ થશે અને ત્રણ કેટેગરીમાં રૂા.૧૪૭.૮૧ કરોડના ખર્ચે બાકી રહેલા રિંગ રોડ-૨ના ફોરટ્રેક રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application