રાજકોટ લોકમેળામાં ડ્રોન સર્વેલન્સ અને ખાનગી સુરક્ષા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ
રાજકોટ લોકમેળામાં ડ્રોન સર્વેલન્સ અને ખાનગી સુરક્ષા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ
July 06, 2026 05:12 PM
રાજકોટમાં યોજાનારા જન્માષ્ટમી લોકમેળાને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને આધુનિક ટેકનોલોજી આધારિત બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા ડ્રોન સર્વેલન્સ અને ખાનગી સુરક્ષા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમજ આજરોજ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને લોક મેળાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવનાર છે. રાજકોટમાં આગામી તા. ૨થી ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે યોજાનારા જન્માષ્ટમી સાંસ્કૃતિક લોકમેળાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન માટે મહત્વની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકમેળા દરમિયાન ક્રાઉડ સર્વેલના એન્ડ રિયલ ટાઈમ ડેટા એનાલિસિસ થ્રુ ડ્રોન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ડ્રોન દ્વારા મેળા વિસ્તારમાં સતત નજર રાખી ભીડની સ્થિતિનું રિયલ-ટાઇમ વિશ્લેષણ કરવામાં આવશે, જેથી કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક નિર્ણય લઈ શકાય અને ભીડનું અસરકારક સંચાલન શક્ય બને. આ ઉપરાંત મેળાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ખાનગી સિક્યુરિટી એજન્સીઓ પાસેથી સુરક્ષા કોન્ટ્રાક્ટ આપવા માટે પણ ટેન્ડર નોટિસ તૈયાર કરવામાં આવી છે. મેળા દરમિયાન મુલાકાતીઓની સુરક્ષા, વ્યવસ્થિત પ્રવેશ-નિર્ગમન અને કાયદો-વ્યવસ્થા જાળવવા ખાનગી સુરક્ષા કર્મચારીઓની સેવાઓ લેવામાં આવશે. રાજકોટ વહીવટી તંત્ર દ્વારા બંને ટેન્ડર નોટિસો જાહેર કરવામાં આવી છે. તેમજ રસ ધરાવતી એજન્સીઓ અને સંસ્થાઓને નક્કી કરેલા સમય મર્યાદામાં ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.